ambuDan jambuDa heth rannadew - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંબુડાં જાંબુડા હેઠ રંનાદેવ

ambuDan jambuDa heth rannadew

આંબુડાં જાંબુડા હેઠ રંનાદેવ

આંબુડા જાંબુડા હેઠ રંનાદેવ, વાંઝ પોકારે પ્રભુ એકલી રે.

આઘેરી જાઉં તો રાન રંનાદેવ, પાછી ફરું તો પ્રભુ એકલી રે.

સસરાને બારણે ઢોલ ના ધડુક્યા, બાપે વધામણી ના મોકલી રે.

પીળડાં પેરી પાટે ના બેઠાં, લીલડાં પેરી ના જળ ભરયાં રે.

સાસુ સોવાસણે ખેાળા ના ભરિયા, માડી સોવાસણેના વીસામ્યા રે.

બોચેલો બાંધી સુવાવડ ના સુતી, અજમો ના ખાધો તીખો તમતમો રે.

સૂંઠ પીપેર લઈ મારી સાસુ ના આવ્યાં, માડીએ તે સુવાવડ ના કેળવી રે.

સાંગામાચીએ બેસી પુત્ર ના ધવડાવ્યા, થાને ના ભીંજી જાદર કાંચળી રે.

લાંબી પરસાળે પારણાં ના બાંધ્યાં, હાલ કરી ના હિંચોળિયા રે.

પાણીડાં જાતાં છેડા ના સાહ્યા, વછ કરી ના વછોડીયા રે.

નિશાળે જાતાં રાડા ના લીધા, ગજુએ ના ઘાલી સુંદર સુખડી રે.

આંબુડા જાંબુડા હેઠ રંનાદેવ, વસ્તી પોકારે પ્રભુ બે જણા રે.

આધેરી જાઉં તો વસ્તી રંનાદેવ, પાછી ફરું તો પ્રભુ બે જણા રે.

સસરાને આંગણે ઢોલ ધડુક્યા, બાપે વધામણી મેકલી રે.

પીળડાં પેરી પાટે રે બેઠી, લીલડાં પેરીતે જળ ભરયાં રે.

સાસુ સોવાસણે ખેાળા રે ભરિયા, માડી સોવાસણે વીસામ્યા રે

બોચલો બાંધી સુવાવડ સુતી, અજમો તે ખાધો તીખો તમતમો.

સૂંઠ લઈને સાસુ રે આવ્યાં, માડીએ સુવાવડ કેળવી રે.

સાંગામાચીએ બેસી પુત્ર ધવડાવ્યા, થાને તે ભીંજી જાદર કાંચળી રે.

લાંબી પરસાળે પારણાં બાંધ્યાં, હાલ કરીને હિંચોળિયા રે.

પાણીડાં જાતાં છેડલા રે સાહ્યા, વછ કરીને વછોડિયા રે.

નિશાળે જાતાં રાડા રે લીધા, ગજુએ તે ઘાલી સુંદર સુખડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ