hun to Dhole ramun ne - Lokgeeto | RekhtaGujarati

હું તો ઢોલે રમું ને...

hun to Dhole ramun ne

હું તો ઢોલે રમું ને...

હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે,

મારાં મનડાં ઉદાસી થાય રે,

ઢોલે રમું ને હરિ સાંભરે રે.

હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે,

મારાં દાતણિયાં પડી પડી જાય રે. —ઢોલે.

હું તો નાવણુ કરું ને હરિ સાંભરે રે,

મારી કૂંડિયું ઢળી ઢળી જાય રે .—ઢોલે.

હું તો ભોજન કરું ને હરિ સાંભરે રે,

મારા કોળિયા ઢળી ઢળી જાય રે. —ઢોલે.

હું તો મુખવાસ કરું ને હરિ સાંભરે રે,

મારી એળચિયું ઢળી ઢળી જાય રે. —ઢોલે.

હું તો પોઢણ કરું ને હરિ સાંભરે રે,

મારી સેજડી ઢળી ઢળી જાય રે. —ઢોલે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981