morlani maya - Lokgeeto | RekhtaGujarati

મોરલાની માયા

morlani maya

મોરલાની માયા

[ઊભા ઊભા ગાવાનો એક તાળીનો રાસડો]

સોનલા ઈંઢોણી રાજ, રૂપલાંનુ બેડું રાજ,

રાજાની રાણી પાણી સાંચર્યા.

હાથડીઆ ધોયા રાજ, પગડીઆ ધોયા રાજ;

આવડી વારું રે શીદ, લાગીઉં?

આવ્યાં તે આવ્યાં રાજ, નગરી ધેનું રાજ,

આછેરાં કરું ને નીર ડોળી નાખે.

ઘેલાં તે ભાભી તમે!

ઘેલૂડાં શીદ બોલો રાજ, ઘેલૂડાં શીદ બોલો રાજ!

વનના મોરલા સાથે જળે રમતાં.

ઊઠોને રાજાની રાણી!

કાઠુડા ઘઉં દળો રાજ, કાઠુડા ઘઉં દળો રાજ!

મારે જાવું રે મોરલાને મારવા.

સોનલા કામઠડી ને

રૂપલા તીર રાજ, રૂપલાનાં તીર રાજ;

રામજી હાલ્યા રે મોરલાને મારવા.

મારજો મારજો રે રાજા,

હરણ ને હરિયાળાં રાજ, હરણ ને હરિયાળાં રાજ,

એક મારજો વનનો મોરલો.

નહિ રે મારું હું તો,

હરણ ને હરિયાળાં રાજ, હરણ ને હરિયાળાં રાજ,

દીઠો નહિ મેલું વનનો મોરલો.

વનનાં મોરલીઆ ત્યાંથી.

ઊડી ઊડી જાજે રાજ, ઊડી ઊડી જાજે રાજ!

જઈને બેસજે રે પારસ પીપળે.

પેલે તે ઘાએ મોરનાં,

પીંછડાં ખેર્યાં રાજ, પીંછડાં ખેર્યાં રાજ;

બીજે તે ઘાએ મોરલાને મારિયો.

સોનલાની કાવડ્યું ને

રૂપલા કરંડ રાજ, રૂપલા કરંડ રાજ;

કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.

ઊઠોને રાજાની રાણી

બારણીઆં ઉઘાડો રાજ, બારણીઆં ઉઘાડો રાજ;

તમને ભાવતાં રે શીઆક લાવિયા.

હસતાં રમતાં રાણીએ,

બારણીઆં ઉઘાડ્યાં રાજ, બારણીઆં ઉઘાડ્યાં રાજ;

મોરલાને દેખી મોઢડે મશ ઢળી.

ઊઠોને રાજાની રાણી,

મોરલીઆને મોળો રાજ, મોરલીઆને મોળો રાજ!

તેલમાં સમકાવો વનનો મોરલો.

રોતાં ને રસકતાં રાણીએ,

મોરલીઆને મોળ્યો રાજ, મોરલીઆને મોળ્યો રાજ;

આંસુડે સમકાવ્યો વનનો મોરલો.

ઊઠોને રાજાના કુંવર,

જમવાને બેસો રાજ, જમવાને બેસો રાજ!

તમને ભાવતાં શીઆક રાંધીઆં.

હાલોને રાજાની રાણી,

ભેળાં બેસી જમીએ રાજ, ભેળાં બેસી જમીએ રાજ!

તમારે સારુ શીઆક આણીઆં.

તમે રે જમો તમારાં,

છોરુડાં જમે રાજ, છોરુડાં જમે રાજ;

અમારે વરત છે એકાદશી.

ઊઠોને રાજાનાં રાણી,

ઓરડીઆ ચણાવું રાજ, ઓરડીઆ ચણાવું રાજ;

ટોડલીએ નગટાવું વનનો મોરલો.

ઘેલુડા રાજાના કુંવર

ઘેલૂડાં શીદ બોલો રાજ, ઘેલૂડાં શીદ બોલો રાજ;

નગટલ મોરલો તે કેમ કરી બોલશે!

ઊઠોને રાજાની રાણી,

સાળુડા રંગાવું રાજ, સાળુડા રંગાવું રાજ!

પાલવડે મેલાવું વનના મોરલા.

ઘેલૂડા રાજાના કુંવર,

ઘેલૂડાં શીદ બોલો રાજ, ઘેલૂડાં શીદ બોલો રાજ!

છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.

કંઠસ્થ : કુંવરબહેન રાહાભાઈ (વળા)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ