jay jay garwi gujrat - Lavni | RekhtaGujarati

જય જય ગરવી ગુજરાત

jay jay garwi gujrat

નર્મદ નર્મદ
જય જય ગરવી ગુજરાત
નર્મદ

જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુમ્બી, પ્રેમશૌર્યઅંકીત,

તું ભણવ ભણવ નિજ સન્તતિ સઉને, પ્રેમ ભક્તિની રીત-

ઉંચી તુજ સુન્દર જાત,

જય જય ગરવી ગુજરાત. -૧

ઉત્તરમાં અમ્બા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરન્ત રક્ષા, કુન્તેશ્વર મહાદેવ,

ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-

છે સહાયમાં સાક્ષાત.

જય જય ગરવી ગુજરાત. -ર

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાગર સાગર,

પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશિસ્ જયકર-

સમ્પે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત. -૩

તે અન્હિલવાડના રંગ,

તે સિદ્ધરાજ જયસિંગ,

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત,

શુભ શકુન દીસે મધ્યાન્હ શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત. -૪

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004