wi nayakmanthi ansh - Khandkavya | RekhtaGujarati

વિ-નાયકમાંથી અંશ

wi nayakmanthi ansh

ચિનુ મોદી ચિનુ મોદી
વિ-નાયકમાંથી અંશ
ચિનુ મોદી

સમી સાંજે જ્યારે લહર અડકે શીતવનની

સજેલાં વૃક્ષોના હરિતલય હિલ્લોળ બનતા;

કતારોમાં પાછાં વિહગ ફરતાં; ગૂઢ મનની

ગુફામાં પેસીને તિમિરમહિમા મંત્ર ભણતાં.

ધખેલી પૃથ્વીને પરિચય પુનઃ થાય જળનો

સુગંધી છાંટેલી વયરહિત ગાંધર્વ પળનો. 1

ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા ઉડુગણો

છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;

વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ

પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.

નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં

સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં? 2

રહેશે એનું ગગન, પણ દેખાવ અલગ

ડરેલાં, અંધારે, ગુમસુમ થયાં - વેગ ધરશે;

ધસારે ઊડે છે કલરવ લઈ વૃક્ષ - વિહગ

રચાશે તેજસ્વી કિરણપથ, સૌ સ્પષ્ટ બનશે.

અડે છે સાથે તરત ઊઘડે સૂરજમુખી

નિશાંતે છૂટેલો ષટપદ હવે કેવલ સુખી. 3

કહે કાને જ્યારે મધુકર કશું, ગુંજન વતી

હવા લ્હેરાઈને સ્થળજળ બધું ચંચલ કરે,

દિશાઓ ખોલીને સ્ફટિક સરખાં દ્વાર, નમતી

સફાળા આવેગો રતિમય તરંગે અવતરે.

હવે યંત્રો પેઠે ધમધમ થતું સર્વ, ક્રમમાં

થતાં અંધારું શબવત્ બને શા નિયમમાં? 4

તળેટીથી ટોચે નિતનિત જવું ને ઊતરવું

અને પાછા, થાકી, શિખર ચડવું અઘરું,

ચડાવો હાંફીને કઠણ પથરો પ્હાડ પર, ત્યાં

તમારી સામે તરત પડતો કારણ વિના;

તમારા હાંફ્યાના શ્રમિતપડઘા, પથ્થર થતા

તમે તે શાપેલા સ્વજન વહતા કષ્ટ બમણાં. 5

તમારે શા માટે ઊતરચડના દાવ રમવા?

તમારે શા માટે જડસજડ બોજ ખમવા?

નિરાંતે બેસીને પગ પર ચડાવો પગ તમે

થયું શિક્ષા જ્યારે જીવતર, જીવ્યું કેમ ગમે?

હજી, ઠંડું લોહી ત્વરિત કરવા ચાબુક થશો?

ફરે શ્વાસે શ્વાસે કરવત છતાંયે ધબકશો? 6

અહીં શું સ્વેચ્છાનું સહજ સરખું મૂલ્ય નથી?

તમે ટેવે ટેવે ફક્ત લડવાના, અતિરથી?

તમે તો પાણીને નિયત કરવામાં કુશળ છો

હવાને બાંધી દો, કિરણ પણ બંદી કરી શકો.

તમે અસ્ત્રે શસ્ત્રે સજધજ થયા બખ્તર ધરી

તમે શું ધ્રૂજો છો પળપળ છતાં, એમ ડરી? 7

નથી. ચક્રાકારે સમય ફરતો, જાણ તમને

સુગંધીને જોતી નજરે તમને પ્રાપ્ત હવે

રહસ્ય ગેબી નભ પણ હવે ભેદરહિત;

ધરા કે પાતાળે સહજ ગતિમાં આપ ફરતા.

હથેળીની રેખા કઠણ પથરાઓ વહી વહી

ઘસાઈ એવી કે દઢ પકડ છૂટી રહી સહી. 8

ફરે ધોળા દા'ડે જનવિજનમાં ફાનસ લઈ

કરે ખાંખાખોળા સુજન, પણ, ના ક્યાંય જડે,

મળી ત્યારે તાજા-ખબર, અખબારી ઢબછબે

હણાયો હત્યારો હિટલર, હવે ઈશ્વર નથી.

નથી એક્કે જૂનાં નડતર છતાં કંપિત તમો

હજી રોજિંદી ઊતરચડનો બોજ ખમો? ૯

હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં?

નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;

છતાં શૈયા છોડો ઝડપટ સવારે મન વિના

અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં

નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો

ચલાવો શા સારુ અવિરત છતાં શ્વાસચરખો? 10

તમે પ્રાણીબાગે અપરિચિત જોઈ ઝઘડજો,

ચડાવી, ઉશ્કેરી ધસમસ ધસે એમ કરજો,

છરાને ખોસાવી સરલ કરો મોત, પણ

ચમત્કારોભૂખ્યું . મન ફગવશો કેમ કરતાં?

ગળે પટ્ટો, પીઠે વજન વહશો? માલિક કરે

તુમાખીમાં આજ્ઞા, અમલ કરશો શેષ સમયે? 11

હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા

નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા

પ્રતીક્ષા કીધી તે ગરુડ પર બેસી ગગનથી

ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી

અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા

ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં? 12

વસંતો મહોરેલી નિશદિન રહે, કલ્પતરુનાં

બધાં પર્ણો ઇચ્છા ફળીભૂત કરે, કાલવિજયી

થઈને ઘૂમે છે સુરગણ સદા રમ્ય ચપલા

મૃગાક્ષી નર્તીને સ્વરસભર ઉલ્લાસ ભરતી

નથી શ્વાસોની સરહદ પછી સ્વર્ગ વસતું

અહીં તો યુદ્ધાંતે રથ પણ બળી થાય ભડથું. 14

ઘડો, ભેદો કોઠા, વ્યૂહ પણ રચીને અવનવા

નકામા દોડાવો પ્રબલગતિમાં અશ્વ રથના

તમે દોડી દોડી અવિરત, અરે અશ્વ બનતા

પ્રદેશો ખૂંદીને પરત ફરતા, જ્યાં નગરમાં

હણાઈ હોમાશો નિયમવત્ યજ્ઞવિધિએ

બજેલા શંખોના ધ્વનિત પડઘે ચીસ શમશે. 15

ત્યજાશે હેષા આ? ગતિમય પગે રોજ ધસવું?

થવાનું ટોળાથી અલગ, બનશે ખૂબ અઘરું

સરે મુદ્રા, ઊંડા અતલ જળમાં; એક પળમાં

તમારાં એંધાણો પરિચિત બધાં લુપ્ત થતાં

જુએ ટીકી ટીકી નવતર ગણી ધ્યાન દઈને

અજાણ્યા લેખીને ઘર પણ ભસે શ્વાન થઈને. 16

ઘૂમે, છીંકોટા દે જડભરત ગેંડા નગરમાં,

ફરે શેરી વચ્ચે, સગડ સહુનાં છેક ઘરમાં,

તમે ઘેરાયેલા અવઢવ વિશે, થાય તમને

ઘૂમું છીંકોટીને? જળવત્ બનું હુંય દરિયે?

સમુદ્રો ડુબાડે પ્રલય વખતે શેષ સઘળું

છતાં પાણી ડૂબ્યું? જળવત્ થવાથી બચવું. 17

-------------------------------------------------------------------------------

ત્વચા તો છે બહેરી કઠણ, સઘળાં અંગ છૂપવી

પડી રહો તંદ્રામાં મ્યુઝિયમ વિશે કચ્છપ થઈ;

શ્વસો ઘીમું ધીમું, નિયતગતિમાં મંથર ફરો

બધા આઘાતોને પીઠ પર ઝીલી એમ જીવો.

તમે ના જાણેલું અચરજ હવે માત્ર મરણ -

ધરામાં ચોંટાડ્યાં અતુલ બળથી તોય ચરણ? 45

થશે આખેઆખું મૂળ સહિત તોયે ઊખડવું

વિચારે કંપીને પળપળ હવે માત્ર ડરવું,

ગયાં વર્ષો એમાં પરિચય થયો જગતનો

તમે જાણી લીધાં નખશિખ બધાંને, ડર ગયો.

તમે સૃષ્ટિને પરિચિત ગણીને વળગતાં,

રહ્યાં વર્ષો એમાં સીમિત બનતા ને સબડતા. 46

લપાતો છૂપાતો અરવ પગલે છેક ઘરમાં

ઘૂસીને કંટાળો વિતથ કરતા સર્વ, પળમાં.

શરીરે વ્યાપેલી સકળ નસમાં છિદ્ર કરતી

ઉદાસી લોહીમાં ભ્રમણ કરવા સોય બનતી.

હવે રૂંવે રૂંવે અનહદ પીડા જીવતરની

તમે છો લેખાયા રસિક ઘટના માવતરની. 47

શરીરે ને ચિત્તે અનુરણન છે કૈંક યુગના

તમારા લોહીમાં પ્રતિપલ પડે પડઘા -

તમે ક્યાં સ્વેચ્છાથી જીવતર જીત્યા અંગત કદી?

તમે બોલ્યા, ચાલ્યા ગતવિગતના વંશજ બની.

લડીને હારેલા, સ્વજન! અઘરું ખૂબ અઘરું

તમારા લોહીથી અલગ થઈને ભિન્ન જીવવું. 48

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું

હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું?

નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા

તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા

વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ

ગુલામી આપી છે ચલ–અચલને તે कालपुरुष 49

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં

તમારે માટે ક્યાં યમનિયમ એવા અહીં થયા?

તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું

ગમે ત્યારે આવી અતિથિવત્ લુપ્ત કરતું.

તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ

તમારી દોરીને મુષકવત્ કાપે ક્ષણપતિ. 50

સ્રોત

  • પુસ્તક : વિ-નાયક
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1996