bahuk kawymanthi ek ansh (be bhag) bijo bhag - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાહુક કાવ્યમાંથી એક અંશ (બે ભાગ) - બીજો ભાગ

bahuk kawymanthi ek ansh (be bhag) bijo bhag

ચિનુ મોદી ચિનુ મોદી
બાહુક કાવ્યમાંથી એક અંશ (બે ભાગ) - બીજો ભાગ
ચિનુ મોદી

નળ:

અસ્તાચળમાં જતા

સૂર્યને પૂછું?

નીડ તરફ જતા

પંખીને પૂછું?

નહીં,

બંદીવાન બનતા

ભમતા ગુંજારવને પૂછું

કે

મારું વસવાનું ઠામ

તમે જાણો છો?

પણ,

નિસ્તબ્ધ દિશા જેવા

હઠે ચડેલા વામાંગ જેવા

દંતૂશળ ખોયેલા ગજરાજ જેવા

મારા હે મૂક પ્રશ્ન!

પ્રતિસ્પર્ધીએ ફેંકેલી

અને

અનિરુદ્ધ ગતિએ

મારા તરફ ધસતી

સાંગ,

સાંગ મને ડારી શકતી નથી.

પણ, તમે?

પણ, તમે મને

પહાડ પરથી

ધસતાં આવતાં

વરસાદી જળ સામે

તૃણવત્ બનાવો છો.

મૂળસમેત ઉખાડી,

મને સ્થાનચ્યુત કરી,

વિશાળ પૃથ્વીના

બિહામણાપણાનો

પ્રત્યક્ષ પરિચય કરાવો છો.

તોપણ,

ભોંકાયેલી

અને અંદર

ઊંડે ઊંડે

ઊતરી ગયેલી

શૂળ જેમ

તમને,

હું

દૂર કરી શકતો નથી.

હે મૂક પ્રશ્ન!

નહીં અભિવ્યક્ત થઈ

તમે મને સારો છો,

તમે મને ડારો છો.

વ્રણને કારણે

સતત ઉપસ્થિત રહેતી

વેદના

મારામાં તમે ભારો છો.

---

લાવ,

નગરીને છેડે આવેલા

દીર્ઘ આયુષ્ય

ભોગવી રહેલા,

વૃદ્ધ વટવૃક્ષને પૂછું

કે

જાણતા હો

તો મને કહો

હે વૃક્ષરાજ!

કે

નિવાસસ્થાન પણ

કાલાધારિત છે?

શિશુ અવસ્થા હતી

ત્યારે

એકદા

પુણ્યશ્લોક પિતા સાથે,

રથમાં પસાર થતાં

મેં

તમને

અહીંયાં ઊભેલા જોયા છે.

આજ

મારી પ્રૌઢ વયે પણ

તમને

તો

અહીંયાં ઊભેલા જોઉં છું.

કાલાતીત થઈ

તમે તો

અહીંના અહીં વસ્યા છો

હે વૃક્ષરાજ!

તો

હું ગઈ કાલે વસતો હતો

સ્થાને

આ...જે કેમ નથી?

સમુદ્રના ઉછંગમાંથી

કોરાટ તટ પર

છીપલાની જેમ

મને મારી ઇચ્છાવિરુદ્ધ

કેમ ફેંકી દેવામાં આવ્યો છે?

સમુદ્રે એમ ઇચ્છ્યું?

મોજાંઓએ

મૃત-આજ્ઞાવશ થઈ

મને તટ પર ફંગોળ્યો?

હું

-સમુદ્રમાં-

પાણીમાં પાણી થઈ

વસ્યો

એટલે

ફંગોળાયો છું?

ડાળ પરથી

ચૂંટાયેલા પુષ્પ જેવો

હું

હું હવે ક્યાં જાઉં?

ડાળ પર

મને ફરી મૂકી આપવામાં આવે

તોપણ

હું આગંતુક જ.

*

નિષધનગરી!

તારા

રાજમાર્ગો પરથી

રથવિહીન અવસ્થામાં

પ્રથમ વાર

ચાલતો નીકળ્યો

ત્યારે,

કેવળ

મારાં ચરણને

અજાણ્યું અજાણ્યું નહોતું લાગતું,

પણ,

મારાં ચરણના પડતા

પ્રત્યેક પગલાંના ધ્વનિ,

પગલાંનાં

મૃત્તિકામાં ચિત્રિત થઈ

અંકિત થતાં ચિહ્ન,

રાજમાર્ગના વક્ષસ્થલ,

જનરહિત અટ્ટાલિકાઓ જેવા

અપરિચિત

અને એથી

મારા પ્રતિ

અવજ્ઞા દાખવતા

મને લાગતા હતા.

*

હું

પરાયી નગરીમાં

ઊભા-કરેલા,

સ્ફટિક પાષાણના

મનુષ્યકદ શિલ્પનો

ચૈતન્યરહિત

દક્ષિણકર હોઉં

એવી

અસહાય સ્થિતિમાં

મૂઢમતિ થઈ

પથ્થરના ધનુષ્યની

ખેંચાયેલી પણછ જેવો

અકળ,

ચિત્રિત

ભાથામાં

તીક્ષ્ણપણાના અભાવે પીડિત

બાણ જેવો

ગતિવિહીન,

મૃતવત્ થઈ ઊભો હતો.

ત્યારે

સહસ્ર કિરણો વડે

સૂર્યદેવ

મને બાળતા હતા

પરંતુ,

હે નિષધનગરી!

મારો પડછાયો ઝીલવાની પણ

તારામાં

ક્યાં શક્તિ હતી?

મત્ત થયેલા સમુદ્રમાં

વહાણ વિનાનો,

સમરાંગણમાં આયુધ વિનાનો,

અંગ ખરું, પણ પડછાયા વિનાનો,

હું

ધુરાના ભારરહિત

ખાલી સ્કંધ પર

શ્રમિત ત્રસ્ત વૈદર્ભીની

કોમળ હથેળીનું પંખી મૂકી,

ચાલ્યો તો ખરો,

પણ,

હે નિષધનગરી!

આટલા દીર્ઘ કાળના

ગાઢ સહવાસ પછી

તારો છેડો ફાડી

હું જાઉં

તો કેટલે દૂર જઈ શકું?

હે નગરી!

હું નાગર છું.

હું

તારાથી કેમ કરીને

વિખૂટો થઉં?

સ્રોત

  • પુસ્તક : બાહુક (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 3