Shapsambhram - Khandkavya | RekhtaGujarati

તર્ફ મંજુલ સ્વરે રમતું વહેળું,

સામે ભયંકર અગોચર ગીચ ઝાડી;

મેદાન લીલું વચમાં પડ્યું વિસ્તરેલું,

ઊંચે હિમાલય તણાં શિખરો ગુલાબી.

સુગંધી વાયુની ઠંડી લહરી મંદ વાય છે,

મધુરું મધુરું ક્યાંથી વિહંગો પણ ગાય છે.

આવી ત્યાં મૃગયુગ્મ બાલ વયથી સાથે વસેલું ચરે,

ખેરે ઝાકળબિન્દુઓ તૃણ થકી, સાનંદ કૂદે તરે.

ગ્રીવાભંગે નિહાળે અવર ગમ અને ચિત્તમાં હર્ષ પામે,

શૃંગો શૃંગોની સાથે ભરવી ભરવીને થાય છૂટાં ઉગામે. ૧૦

થયા ભિન્ન મનોભાવ તણાયાં રસરેલમાં,

બદલાવા ધીમે લાગી ક્રીડા રતિખેલમાં.

વિલોકીને ઢૂક્યો વિકૃતિવિવશ સ્પર્શ કરવા,

ખસી ત્યાંથી લાગી અસમ જ્વથી ફાળ ભરવા;

પડ્યો પૂંઠે ઝટ પ્રિયતમાને પકડવા.

નથી દેતો છેટું અધિક હતું તેનાથી પડવા.

અજ્ઞાત યૌવના તો લજ્જા પામતી બાલિકા,

કોમલાંગી હતી જેવી મુકુલિત મૃણાલિકા.

દોડી નીર ઝરા તેણે ફરી ફરી મેદાન ઝાડી વિષે :

વારંવાર પ્રદેશ રમ્ય ફરતા આવેલ પહાડી વિષે; ૨૦

નાખી પાછળ દૃષ્ટિ તો હજી પીછો નહીં છોડતો,

દીઠો મારુત વેગ આગળ વધ્યો ઉત્સાહથી દોડતો.

સુકુમાર બિચારી હા! તો થાકી ગઈ હતી,

નિરુપાય પછી ઊભી સ્વસ્થાને રહી હતી.

અવિરત શ્રમથી બહુ હાંફતી,

શરમ ને ભયથી કંઈ કાંપતી;

નિકટ આવી ઊભો મૃગ ફૂલતો,

વિનયથી મદની મહીં ઝૂલતો.

ભય સંકોચ ને લજ્જા થયું સો દૂર તત્ક્ષણે

સસ્મિત પ્રેક્ષવા લાગ્યાં ઉભય સ્નિગ્ઘ લોચને. ૩૦

***

સુસવાટ થયો મોટો ઘટામાં દૂર ઝાડની,

ને પડ્યો પડઘો એનો તળેટી મહીં પહાડની.

કુરંગી ચોપાસે નજર કરતી ત્રાસ સહિત,

પડ્યો ત્યાં તો નીચે મૃગ તરત ચૈતન્યરહિત;

કલેજું વિંધાયું શરપતનથી કૃષ્ણમૃગનું,

શકાયે ના જોઈ અહહ! દ્વયની દૈન્ય દૃગનું.

સોહામણો શિકારી કો’ ઝાડીમાંથી નીકળ્યો,

ઉતાવળે પદે તે હરિણીની ભણી વળ્યો.

મૃત્યુદ્વાર સમીપ હરિણીને નિઃશ્વાસ નાખી જુએ;

જોકે વાણી નથી મનુષ્ય સરખી અસ્પષ્ટ તો રુએ; ૪૦

આંસુ જાવ વહ્યાં ભર્યાં નયનથી ચોધાર તે કો’ લુએ?

દેખી ધીરજ વ્યાધનું હૃદય ભેદાઈ જતું ખુવે.

થઈ ગયું મુખ મ્લાન આવિષ્કારથી ખેદના,

થવા લાગી અને તેના અંતરમાં તીવ્ર વેદના.

કરી શરે મૃગનું વિદારણ,

થયો છું દુઃખનું મૂળ કારણ

વિચાર કીધો નહીં મેં નરાધમે,

દુઃખ આવું મૃદુ દેહ ખમે.

મને ઘટે છે મરવું સર્વથા. ૫૦

પામશે શમ હૈયું અન્યથા;

સદૈવ ઉષ્ણાશ્રુ અરે પ્રજાળશે;

છપાયું છાતી મહીં નેત્ર ભા...

“દુઃખાબ્ધિમાં દયિત પ્રાણ હરી ડુબાવી,

તારી પ્રિયા તણી થજો સ્થિતિ આર્ત આવી;

કારી કર્યો જખમ તીરથી કાળજામાં,

તું પામજો મરણને મુજ શી દશામાં.”

કીધો ઓછો હૃદય ભરને શાપ આપી પ્રચંડ;

પાપાત્મા મમ સદૃશને છે યોગ્ય દંડ;

જાગી જોતાં નવ કશું દીઠું હસ્ત મૂક્યો કપાલે,

સાચું શું ખબર પડે કે ઠગ્યો ઇન્દ્રજાળે. ૬૦

ગરકાવ વિચારોમાં માંડ્યું ત્યાંથી જવા હવે,

લૂછતાં સ્વેદનાં ટીપાં શશાંકવંશ સંભવે.

તર્ફ મુંજુલ સ્વરે રમતું વહેળું,

સામે ભયંકર અગોચર ગીચ ઝાડી;

મેદાન લીલું વચમાં પડ્યું વિસ્તરેલું,

ઊંચે હિમાલય તણાં શિખરો રૂપેરી.

સ્રોત

  • પુસ્તક : આપણા ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ચીમનલાલ ત્રિવેદી, પ્રો. ચંદ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : (ત્રીજી આવૃત્તિ)