prem shasan - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમ-શાસન

prem shasan

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
પ્રેમ-શાસન
દેવજી રા. મોઢા

આકાશે તરણિ તપી ધરણી પે વર્ષાવતો તાપને,

વૃક્ષો યે સ્થિરપર્ણ આશ્રમતણાં દિગ્મૂઢ ઊભાં રહ્યાં;

થંભ્યાં વાયુવહેણ, વ્યોમ ઉડચાં પંખી લપ્યાં નીડમાં:

જાણે વિશ્વ સમસ્ત જંપ્યું ઘડી તો વિશ્રામખોળામહીં!

એવે ઉશીકું કરી કર્ણની જાંઘ કેરું

પોઢ્યા હતા પરશુરામ પ્રશાંત ચિત્તે:

ને ચિત્તમાં ઉચિત વારસ પ્રાપ્તિની જે

સંતૃપ્તિ તે વિલસતી વદને સુધન્ય.

શિષ્ય ને ગુરુના દેહો સ્થૂલ સંસ્પર્શ પામિયા,

તો યે ઉભયનાં ચિત્ત ભિન્ન ભિન્ન દિશે વળ્યાં.

બાઝી ગયા’તા થર રાખના જે

વૈરાગ્નિ પે ભાર્ગવના, હવે તે

ઊડી ગયા દૂરસુદૂર પ્રવાત વાતાં

ને અંગારા ઝગમગી રહ્યા તપ્ત-લોખંડ-રાતા.

ને કર્ણને યે ગુરુવંચનાનો

આનન્દ હૈયે નહિ છેક નાનો;

તો યે વિચાર ‘અહીંથી જવું’ સતાવે

ને હૈયું તો સુખ દુઃખ તણા ઊભરે મિશ્ર ભાવે.

સ્વ-રચી સૃષ્ટિમાં લીન ગુરુશિષ્ય બન્યા હતા;

ના બાહ્ય જગની એને સ્પર્શતી વાસ્તવિકતા.

ઊડતો આવીને ત્યાં તો કર્ણને ડંખતો અલિ,

સેકંડો વીંછીની જેવી વેદના ઘોર પ્રજ્વલી.

ઘડીક ચહ્યું અલિને ચૂંટીને ફેંકી દેવા,

પ્રબળ તન-વ્યથાની આગથી મુક્ત થાવા.

પણ ગુરુતણી શાંતિ લુપ્ત કેમે કરાયે?

નહિ નહિ નહિ કો દિ શિષ્યધર્મે ત્યજાયે.

કુમળા કાષ્ઠને કોરે જેમ સુથાર-સારડી,

તેમ સાથળમાં ઊંડે અલિ ઊતરતો જતો.

વ્રણ મહીં વસમી હા ઊપડી પીડ કાળી,

સહી નવ શકે કે ના શકે હાલી ચાલી;

વહતી વહતી ધીમા લોહીની ધાર ચાલી:

ગુરુભણી વહી ચૂકી કેમ જાય ખાળી?

રક્તનું વ્હેણ જૈ પ્હોંચે જામદગ્નિતણા ગળે

ને ઉષ્ણ સ્પર્શથી એના, પ્રસુપ્ત ગુરુ શા છળે!

જુએ તહીં શિષ્ય તો પ્રબળ વેદનાને સહી

દૃઢાસન લગાવી શાંત સ્થિર ધીર બેસી રહ્યો.

વહેમ-કદિ બ્રહ્મબાળ તણું રક્ત આવું ઉનું

હોય-ગુરુચિત્તમાં, અલિ સમાન, પેસી ગયો.

બેઠા થયા પરશુરામ પછી સફાળા

ને નેત્રમાં ભભૂકતી ભરી અગ્નિજ્વાલા

કોઈકે ક્રુદ્ધ વનકેસરીની છટાથી

આક્રમ્યા ઉછળી કર્ણ પરે કહેતા :

‘કહી દે કહી દે તારાં વર્ણ કુલ અભાગી હે!

सत्यं वद અન્યથા હું શાપું છું, અનભિજ્ઞ હે!’

નયન ઢળી ગયાં ત્યાં કર્ણનાં છેક નીચે,

વદન પર થરો યે કાલિમાના છવાયા;

શિર પર ભવ કેરા ભાર જામે લદાયા

ત્યમ લઈ શકે શીર્ષને લેશ ઊંચે.

ઢલ્યાં નેત્રે તથાપિ મથે ઉત્તર આપવા,

‘કૃપયા દોષની આપો મને આજે ગુરો! ક્ષમા.

સંહારવા અર્જુનને રહી ગઈ

ઇચ્છા ઉરે, જે નવ દેતી જંપવા.

શસ્ત્રાસ્ત્ર-વિદ્યા ગ્રહવા પ્રવેશ્યો

આપના આશ્રમમાં...હું કર્ણ’

‘કર્ણ તું? આશ્રમે મારા દુષ્ટ ક્ષત્રી નરાધમ!’

વાયુમાં હસ્ત વીંઝીને ઊઠ્યા ભભૂકી ભાર્ગવ.

‘આ વાત આવી વસી નોતી કલ્પનામાં

કે કર્ણ, તું અહીં આવીશ છદ્મ વેશે;

પ્રાબલ્ય વૈરતણું ઓ...’ તહીં દેહ કંપે

ને ક્રોધયુક્ત વનતાં દૃગ લાલ લાલ.

જ્વાળામુખી ભાર્ગવમાં પ્રવેશે

ને ઢેર શા શબ્દ ઊડે હવામાં;

લાવા વહીને મૃદુ છોડ જેવા

કર્ણનું અંતર રહે દઝાડી.

પરન્તુ લહીને ‘કાંઈ બોલવું, બળતાં મહીં

ઘૃત પૂર્યા સમું થાશે’ કર્ણ શાંત બની રહ્યો.

ને ભાર્ગવની નજર ઘૂમી આવી વીત્યા ભૂતકાળે

જેમાં એણે ક્ષિતિ કરી હતી છેક ક્ષત્રિય-હીણી;

ઊઠે વાતાવરણમહીંથી કારમી ચીસ તીણી

ને શોષાઈ રુધિર-સરિતા વ્હેતી પાછી નિહાળે.

ને આવી વનનો વાયુ કાનમાં કૈં ગયો કહી,

ભવ્ય ભાર્ગવના ભાલે શાંતિ છાઈ શીળી રહી.

બેસાડી કર્ણને પાસે શીર્ષ પે હસ્ત ફેરવે;

પ્રેમ ને ધૈર્યના બોલે આવું કૈંક વદે હવે :

“દેખ્યા કદીક જરી ક્ષત્રિયવીરને કે

આબાલવૃદ્ધ સહુને હણીને જંપ્યો,

ને ગર્ભવંતી કુળનારી છે છોડી,

તો યે થયું નહિ ક્ષત્રિયબીજ નષ્ટ.

બહુ બહુ કિધ યત્નો, એક્કીશે વાર હાર્યો;

રહી રહી ઉંરમાંહે મર્મ મેં ઉતાર્યો :

પ્રતિપગ હું રહ્યોતો ચાહી જેનો વિનાશ,

ચહત જગનિયંતા નિત્ય એનો વિકાસ.

એથી તો પરશુ પેલો ટાંગી દઈ દિવાલ પે

ને દાટી વૈરને ઊંડે યોજ્યું’તું ચિત્તને તપે.

પરન્તુ તું એક દિને પધાર્યો,

શમેલ વૈરાગ્નિ ફરી પ્રજાળ્યો;

ગયાં નિરાશાજળ સિંધુમાં સરી,

નક્ષત્રી પૃથ્વી સમણે વસી ફરી.

તારા પરે મેં રચિયો મદાર.

ક્ષત્રી તણું વૈર ધપાવનાર

લાધ્યો સુશિષ્ય વરસો પછી વિચારે

જાગી ઊઠ્યો મધુર રણકો ચિત્તના તારતારે.

કિન્તુ દુર્ગ આશાના ફરી આજે ગયા ઢળી,

વર્ષોથી જાળવ્યાં રત્નો ગયાં ધૂળમહીં મળી.

પરન્તુ मा शुचः वत्स, ઉપાડ નેત્રને જરા,

વિધિસંકેત આમાં યે હશે કૈંક છુપાયલા.

પ્રભુએ તને પ્રેર્યો આશ્રમે મુજ આવવા,

જનસંહારમિથ્યાત્વ ભૂલેલો, તે ભણાવવા.

ના શસ્ત્રથી શાંતિ મળે કદાપિ

સત્ય છે શાશ્વત ને સનાતન.

બળે ટક્યાં તંત્ર બધાં ઉથાપી

સંસ્થાપવાનું બસ પ્રેમ-શાસન”

વળાવી કર્ણને તેણે ભારને હળવો કર્યો

ને લોચનમાં ક્રોધ કરુણા બની નીતર્યો!

સ્રોત

  • પુસ્તક : આરત (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1959