gramya mata - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગ્રામ્ય માતા

gramya mata

કલાપી કલાપી
ગ્રામ્ય માતા
કલાપી

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી;

ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,

જે ઉત્સાહ ભરી દિસે શુક ઊડે ગાતાં મીઠાં ગીતડાં! ૧

મધુર સમય તેવે ખેતરે શેલડીના

રમત કૃષીવલોનાં બાલ નાનાં કરે છે;

કમલવત્ ગણીને બાલના ગાલ રાતા,

રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. ર

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી;

અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે! ૩

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,

ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;

ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,

તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં. ૪

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,

વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;

ને તેનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને

જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. પ

ત્યાં તો આવી પહોંચ્યો અશ્વ સાથે યુવાન ત્યાં;

કૃષિક ઊઠી ત્યારે “આવો બાપુ” કહી ઊભો. ૬

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને' બોલીને

અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;

‘મીઠો છે રસ ભાઈ! શેલડી તણો’ એવું દયાથી કહી,

માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ૭

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,

છૂરી વતી જરીક કાતળી એક કાપી;

ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા

ને કૈં વિચાર કરતો નર તે ગયો પી. ૮

‘બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુજને તૃષા,’

કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ૯

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,

એકે બિન્દુ પણ રસ તણું કેમ હાંવાં પડે ના?

‘શું કોપ્યો કે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,

બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં. ૧૦

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;

નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી. ૧૧

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને

માતા તણે પગ પડી ઊઠીને કહે છે:

‘એ હું છું નૃપ, મને કર માફ, બાઈ,

હું છું નૃપ, મને કર માફ, ઈશ! ૧ર

પીતો’ તો રસ મિષ્ટ હું પ્રભુ અરે! ત્યારે ધાર્યું હતું,

લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં :

છે તોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું ધારું હવે,

શા માટે બહુ દ્રવ્ય ધનિકની પાસેથી લેવું નહીં? ૧૩

રસે હવે દે ભરી પાત્ર, બાઈ !

પ્રભુકૃપાએ નકી ભરાશે;

સુખી રહે બાઈ! સુખી રહો સૌ,

તમારી તો આશિષ માત્ર માગું.’ ૧૪

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,

છૂરી વતી જરી કાતળી એક કાપી;

ત્યાં સેર છૂટી સરની ભરી પાત્ર દેવા,

બ્હોળો વહે સર, અહો! છલકાવી પ્યાલું! ૧પ

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ