રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆકાશમાંના તારકોને ક્રૂર ન્હોરથી પીંખી,
અંધકારનું આ તોતિંગ પંખી
પાંખોના તીક્ષ્ણ ઘાતથી અવકાશને ચીરી,
કુરૂક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડે છે.
મનુષ્યના લોહીને સ્વાદ શું આટલો બધો મિષ્ટ હોય છે.
કયો અગ્નિ? મારા આત્માને દાહ દેતો, મારી આંખમાંથી
બહાર નીકળી
શબક્ષેત્રને ચૂડમાં લઈ
શ્વસી રહેલા પેલા અંધાર પંખીની આંખોમાં તક્ષકની જેમ સરે છે,
સમુદ્રને ચીરી નાખતા તીક્ષ્ણ ખડકોની કઠોરતા
આ
અંધાર ૫ંખીની ગુફાઓ જેવી ઊંડી આંખોમાં ભડભડાટ બળવા લાગી
આ
કોના પડછાયા?
ટોળાંબધ ઊંટના પડછાયાઓ જેવા આ પડછાયા મારા?
કઈ મરુભૂમિ તરફ દોડે છે આ પડછાયા
બધી જ મરૂભૂમિઓના પડછાયા
દિશાઓની કરોડરજ્જુઓ અને પવનોની પાંસળીઓ તોડતા
મારા મનમાં આવી ખડકાયા છે.
મનના એક ખૂણે ઊગેલ લોહીઆળ કાંટા જેવું ભોંકાય છે
આ કુરૂક્ષેત્ર.
આ પ્હાડહોળા લોહીઆળ કાંટા ઉપર બેઠેલું પેલું અંધાર પંખી
કોઈ પ્રચંડ કાળા સ્વપ્નની જેમ હવે ત્વરાથી સળગી રહ્યું છે
બળતા એના ચિત્કારોનો અવાજ કોણ સાંભળે?
કોણ જુએ?
મૃત્યુ પામેલી આંખ જોઈ નથી શકતી,
મૃત્યુ પામેલા કાન સાંભળી નથી શકતા.
‘જે સાંભળે છે એ જ દુઃખ પામે છે,
જે જુએ છે એ જ દુઃખ પામે છે.'
કોણ બોલ્યું આ?
હું કયાં મનુષ્ય છું દુઃખ મને હોય?
હું ક્યાં પ્રેત છું દુઃખ મને હોય?
હું મનુષ્ય પણ નથી, હું પ્રેત પણ નથી
હું અશ્વત્થામા છું.
કાન પર પડતો આ અવાજ—અશ્વત્થામા અશ્વત્થામા-આખાય
મારા મનને
આવરીને પડતા વીંછીઓના વરસાદ જેવો લાગે છે.
હું અશ્વત્થામા છું.
લગોલગ આવી ગયા અમે
અમે લગોલગ આવી ગયા
પ્રેમ બળી જાય છે ત્યારે આ પંખીના જેવો લાગે છે,
શ્રદ્ધા બળી જાય છે ત્યારે આ પખી પીછાં પ્રસારી નાચે છે.
સત્ય બળી જાય છે ત્યારે આ પંખી ચિચિયારીઓ પાડતું
નગરોનાં સડતાં છાપરાંઓ પર
ઘુમરાવા લેતું ઊડે છે.
અમે લગોલગ આવી ગયા
આ
બળતા અંધાર પંખીની આંખમાં
મારી આંખો તીરની જેમ ઊંડી ઊતરી ગઈ
કેવો ઘોર અવાજ!
આ આંધળું અંધાર પંખી અવકાશને હલબલાવી નાંખે
એવો ચિત્કાર નાંખી
મારા પગ પાસે ફસડાઈ ગયું.
એ
જીવે છે
કુરુક્ષેત્ર પર ફેલાએલી પાંખોને એ હળવે હળવે સમેટે છે.
મહારથિઓનાં મૃત વક્ષઃસ્થલોમાં ખૂંપી ગયેલા લોહી નીંગળતા
ન્હોરને
ક્રૂર આનદ મિશ્રિત વેદનાના ચિત્કારથી બહાર કાઢતું
ઢસડાતું ઢસડાતું
એ
મારા નખમાં પ્રવેશે છે
ચડે છે
ઊડે છે
પડે છે.
પછડાય છે
મારામાં
હું અશ્વત્થામા છું,
મારા પડછાયા હું હવે જોઈ નથી શકતો
દુર્યોધનના કણસવાના અવાજ વધતા વાંસવનની જેમ
મારા રક્તમાં ફેલાય છે.
દ્રુપદપુત્રે ઉતારી લીધેલ પિતા દ્રોણના મસ્તકમાંથી
વછૂટતા લોહીના પ્રવાહમાં
અવશ એવો હું તણાઉં છું.
વૃદ્ધ પિતાના દેહમાં શું આટલુ બધુ લોહી હતું?
હું ખસી જ જઉં
મારા માથા ઉપર ઊડતા આવી રહેલા
આ બે ઘુવડોના માર્ગમાંથી
હું ખસી જઉં.
નથી હોતું
ઘુવડની આંખોમાં રહેતું મૃત્યુ
આટલું જડ
હાડકા જેવું સફેદ
ક્રૂર એવી થીજેલી શૂન્યતાથી ભરેલું
નથી હોતું
આ ઘુવડો નથી
કુરુક્ષેત્રમાં એકેય વૃક્ષ જીવતું નથી
કોણ રૂદ્ર! કૃપાચાર્ય!
હું તમને જોઈ શકતો નથી...તમારી આંખોને ઓળખું છું
શું તમે પણ મને જોઈ શકતા નથી?
ચળકતી જીવડા જેવી આંખો એકમેકમાં આપણે
હવે ભરાવી લીધી છે
આપણે જે છીએ તે હવે નથી
જે નથી તે હવે છીએ
સેનાઓ જે કાલે હતી તે આજે નથી
જે આજે નથી તે કદાચ કાલે હશે, જે કાલે હશે
તે કદાચ આવવાની કાલમાં નહીં હોય.
ચાલો
આપણે જે છીએ તે હવે નથી
જે નથી તે હવે છીએ
રૂદ્ર તમે અહીં
કૃપાચાર્ય તમે અહીં
એનાં બચ્ચાં શોધતી આ ટીટોડીનો વલખાટ
મને મથી નાખે છે
ક્યાં હશે એનાં બચ્યાં?
જો
અશ્વત્થામા
મૃત્યુ પામેલા અને સૂતેલાઓમાં શો ફેર છે?
ઘણો ફેર છે
જો
મૃત્યુ પામેલાઓના બાહુઓ
ભીમના બાહુઓની જેમ નજરને ભીંસતા નથી
જો
આ નિદ્રિત રક્ષકના મુખ ઉપર
હમણાં જ ફરકી ગયેલું સ્મિત
તું મૃત્યુ પામેલાઓના મુખ ઉપર ફરકતું કયારેય જોઈ શકીશ?
જો
મૃત્યુ પામેલાઓની નાસિકા
અર્જુનની નાસિકાની જેમ પ્રકાશતી નથી.
યુધિષ્ઠિરના મુખ પર પથરાએલી શાંત સ્નિગ્ધ આભા
પિતા દ્રોણના છેદાએલા મસ્તકમાં ક્યાં છે?
જો
આ પંખિણી જેવી દ્રૌપદી
જેના સહોદરે તારા પિતાનો ઘાત કર્યો હતો તે આ દ્રૌપદી
કેવી નમણી
પેાતાના ટહુકાર જેવાં પાંચ બાળકો પર
પાંખ પ્રસારી પોઢી છે.
અશ્વત્થામા!
આ પાંચ નિદ્રિત ક્ષણોને રહેંસી નાખ
આ ક્ષણોમાં આદિ-મધ્ય-અંત પોઢેલા છે
આ ક્ષણોમાં ડૂબેલો અને ઊગવાનો સૂર્ય પોઢેલો છે.
રહેંસ ... રહેંસ ...
પાંચ તારકોને હણી નાખ્યા
પાંચ બાળકોના રક્તમાં બોળાએલા
આ હાથને
વિશ્વનું કયું તત્ત્વ ધોશે?
નાસ રુદ્ર
નાસ કૃપાચાર્ય
નાસ અશ્વત્થામા
ક્યાં નાસીશ? તુ ક્યાં નાસીશ અશ્વત્થામા
જો
આ તારાં રક્તાંકિત ચરણ
ત્રણે કાલખંડોની બહાર લથડિયાં લેતા ચાલે છે
જો
આ ઉત્તરાના ગર્ભમાં ફરેલા બ્રહ્માસ્ત્રને
કાલ ભગવાનનુ ચક્ર છેદી રહ્યું છે
જો
અસ્તિ અને નાસ્તિ
સદ્ અને અસદની
વચ્ચે
પરિરક્ષિત એવું એક ફૂલ
નમણી નારીના ઉદરમાં ખીલી રહ્યું છે.
તું
ક્યાં નાસીશ અશ્વત્થામા?
આ કાળા ફુગાએલા સડેલા અંધકારમાં
તેં
જાતે જ તારો આત્મમણિ ફેંકી દીધો છે,
કળણમાં ઊંડો ને ઊંડો એ ઊતરતો જાય છે.
હું કયાં છું?
દુરિત ચિરંજીવી હોય છે?
ક્યારેય જે વિલય નહીં પામે એવું આ અસદ્
આત્માને દહ્યા જ કરશે?
હું ક્યાં છું?
શું આ રાખના ઢગલા જેવા સૂર્ય અને ચંદ્ર હશે?
શ્વાસને રૂંધી નાખતા એવા
આ સ્થિર કોના પડછાયાઓના પ્રદેશમાં
હું મૂઢ જેવો તલખું છું
હું ક્યાંથી નાસું
મારા સમયને પગ નથી
હુ કયાંથી નાસું
ચારેકોર પડછાયાઓની ખીણો ખખડે છે
હું ક્યાંથી રડું
મારા સમયને આંખ નથી.
હું ક્યાંથી જન્મું
મારો સમય મરતો નથી
હું કયાં છું?
મારા મનને એક ખૂણે
લોહિયાળ કાંટા જેવું કુરુક્ષેત્ર
એ
પ્હાડ પ્હોળા લોહિયાળ કાંટા ઉપર બેઠેલું પેલું અંધાર પંખી
મારા ચિત્તને એની ખડબચડી પાંખોના ફફડાટથી
હલબલાવે છે... હલબલાવે છે...
હું કયાં છું?...હું કયાં છું?
સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : ચિનુ મોદી, સતીશ વ્યાસ
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1985