wasantwarnan - kavitaayen | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોરી

પચરંગી પટકુલ ધારી,

દીપે કુદરત રતે ન્યારી.

કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવ પલ્લવ જૂનાં ઉતારી,

આંબે મોર અથાગ ઝૂકે, જાણે કલગીઓ સારી;

વસંતની આવી સવારી! દીપેo

વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી,

ફૂલનાં ઝૂમખે ઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી!

ઝૂલે ઝાડી ફૂલ ભરી ભારી. દીપેo ર

ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઈ ફૂલની પથારી,

ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી!

બધું રહ્યું બહેક જ્યાં મારી! દીપેo

ફૂલભરી ડાળો ડોલે હીંચોળે, બેઠાં પોપટ મેના પ્યારી,

ને નવરંગી અવર બહુ પંખી, મધુર કરે રવ તારી;

કોયલની છે બલિહારી!દીપેo

કોયલો કૂકૂ કૂકૂ કરી રહે, પંચમ સૂર અનુરાગી,

ઘટ્ટ ઘટામાં પડઘા પડે ને કુંજ દીપી રહી સારી;

મનોહર કામણગારી! દીપેo

દ્રાક્ષને માંડવે લાખો દરાખો, લીલી લોચનઠારી;

કુમળા બપોરના તાપે તરસ્યાના હાથ લોભાવનારી;

કંઠે ઠંડક કરનારી! દીપેo

ઊગ્યા ગુલાબ, ને આવી ગુલાબી ટાઢની તો હવે વારી!

વારે સવારમાં મંદ સુગંધિત, શીતળ સમીર સુખકારી;

અંગે ઉમંગ વધારી! દીપેo

રંગ્યાં ઉમંગ્યાં પશુ, પંખી, નર, નાર, કુમાર, કુમારી,

સર્વે સજોડે રમે, જમે કોડે, સર્વ કરે મઝાદારી;

મુખે મીઠી હોરી ઉચારી! દીપેo

હોરીના સુર ઘૂમી રહ્યા ચોગમ, ચોગમ લગન છે જારી,

લગનસર! તો વસંતે સોહે, વસંત છે લગન આચારી!

જેણે રચી અજબ તૈયારી! દીપેo

રીતે રતે પાંચે ઇક્રિયો, ને હૃદય રીઝ્યાં સંસારી,

હોળીરમણ, હરખમરણની, રીત સ્વાભાવિક ધારી;

ગણો ચાલ ગંદી નઠારી! દીપેo ૧૦

સંત સ્તવે ભગવંત વસંતે, ઉચ્ચ સ્વરે લલકારી,

જેણે જગતમાં ચોગમ ફરતી, આવી અનુપ ઉપકારી;

લલિત લીલા વિસ્તારી!દીપેo ૧૧

જય! જય! જય! સચરાચર સુંદર, જય ચિદ્રૂપ ભયહારી,

જય! જય! એક અકળ, બ્રહ્માંડ, અખંડ અખિલ વિહારી;

નવલ તનમનના ધારી.દીપેo ૧ર

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39