wagh ane brahmandamptini warta - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાઘ અને બ્રાહ્મણદંપતીની વાર્તા

wagh ane brahmandamptini warta

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
વાઘ અને બ્રાહ્મણદંપતીની વાર્તા
નટવરલાલ પ્ર. બુચ

–કથા કાવ્ય–

(ઇન્દ્રવજ્ર)

પૂર્વે હતું બ્રાહ્મણયુગ્મ એક,

લોટ માગે ઘરથી દરેક;

ભેગી કરી સાંજ-સવાર ભિક્ષા

ખેંચ્ચે જતું જીવન કેરી રિક્ષા. ....૧

બે એકદા જંગલમાં થઈને

ઘેરે જતાં’તાં ભિક્શા લઈને.

વચ્ચે મળ્યો વાઘ ઘણો કરાળ,

ઇચ્છા ધરંતો કરવા ફરાળ. ....ર

ભીતિ-ભર્યા બ્રાહ્મણભાઈ બોલ્યા,

રોતે અવાજે; “ક્યમ વાઘ અલ્યા,

લાગી ક્ષુધા છે? કરવો નાસ્તો?”

વાઘે કહ્યું ટૂંક મહીં જ, “હાસ્તો. ....૩

નીચે ઉતારે ખડિયો ર્ભૂદેવા

ઘી, ખાંડ, ને લોટ દઈ દેવા,

ત્યાં વાઘ બોલ્યો: “પકવાન, આજ્ય

તો બધું મેં ગણિયું ત્યાજ્ય. ....૪

તેથી હવે હું તમને મારું

ને ખાઈને પેટ ભરીશ મારું.”

સાંભળી બ્રાહ્મણ કેરી નારી

ધ્રૂજી ઊઠી બીક થકી બિચારી; ....પ

બોલી: “અરે, વાઘ, મને માર,

હું રાંક, બોળી, અબળા ગમાર.

દેહમાં માંસ કશું મળે ના,

ખાધે મને કાંઈ દી વળે ના, ....૬

કિન્તુ ધણી છે મુજ ખૂબ જાડો,

પૂરી શકે તુજ પેટ–ખાડો.

એને જ, તેથી, બસ આજ ભક્ષ,

હું બાપડીને, પણ, બાપ, રક્ષ.” ....૭

સાંભળીને શબદો અયુક્ત,

ભૂદેવ બોલ્યો ભયક્રોધયુક્ત:

“મૂંગી રહે દુષ્ટ, હરામી નારી!

લાચાર છું, હાથ નથી કટારી.” ....૮

કે’ વાઘને, “સાંભળતો એનું,

તું જા કરી ભક્ષણ આજ એનું.

જો મોત મારું અહીં આજ થાય

તો બિચારી વિધવા થાય.” ....૯

“હિંદુ સતી –લોક સહુ ભણે છે–

વૈધવ્યથી મોત ભલું ગણે છે.

મારા વિના જીવન થાય ખારું,

ને જીવવું છેક બને અકારું.” ....૧૦

“મારા પરે, બાપ, કૃપા થવા દે,

ખા બ્રાહ્મણીને, મુજને જવા દે”

“ના, હો” વદી બ્રાહ્મણબાઈ સદ્ય,

“એણે પીધું આજ દીસે મદ્ય,” .... ૧૧

“ખાઈ જશો જો પતિ ને આપ,

તો બ્રહ્મ હત્યા તણું માત્ર પાપ;

કિન્તુ મને જો હણશો તમેય

તો બ્રહ્મ-નારી-વધ પાપ બેય.” ....૧ર

“માટે, તમે, વાઘ! બહુ સુખેથી

મારા ધણીને ભરખો મુખેથી.”

બોલ્યો ધણી: “આ અતિ નીચ નારી,

એને મારો, મુજને ઉગારી” .... ૧૩

“એને ભક્ષો, અડશો મને ના,”

“એને એને,” “નહીં હો, મને ના,”

એવી રીતે બેય કરે દલીલો,

ને ગદ્ગદે કંઠ કરે અપીલો. .... ૧૪

સાંભળી, મીલિત ચક્ષુ ખોલ્યાં,

ગંભીર થૈ શ્રીયુત વાઘ બોલ્યા:

“શાંતિ ધરો, વ્યર્થ લડો તમે શું?

ખાઈશ; ને ખાઈશ બેયને હું.” ....૧પ

રસપ્રદ તથ્યો

કવિની નોંધ :અંતિમ પંક્તિ માટે પ્રેરકપંક્તિ : કલાપીની ‘ચાહીશ તો ચાહીશ બેયને હું’.

સ્રોત

  • પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : નટવરલાલ પ્ર. બુચ
  • પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
  • વર્ષ : 1986