atakchalo chhokro - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અટકચાળો છોકરો

atakchalo chhokro

દલપતરામ દલપતરામ
અટકચાળો છોકરો
દલપતરામ

દોહરા

એક અડપલો છોકરો, જીવો જેનું નામ;

અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.

કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય;

ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય.

ના ના કહી માને નહીં, કહ્યું ધારે કાન;

એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન.

ડોસો ચસ્માં ડાબલી મેલી ચડીઆ માળ;

અતિ આનંદે અડપલે, તે લીધાં તત્કાળ.

ચશ્માં નાક ચડાવીઆં, ખાડાળાં જે ખૂબ;

ડાબલી લીધી દેખવા, ધારીને પગ ધુબ.

ઢીલું હતું ઢાંકણું, જબરૂ કીધું જોર;

ઉઘડતાં તે ઉછળ્યું, કીધો સોર બકોર.

આખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર;

ફાંફાં મારે ફાંકડો, ધારી શક્યો ધીર.

ચશ્માં નાંખ્યાં ચોકમાં, છીંછી છીંકો ખાય;

થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય.

ચોળે ત્યાં તો ચો ગણો, આંખે અંધો થાય

ડોસે દીઠો દીકરો, ચશ્માંના ચુરાય.

ડોસે ડારો દઈ કહ્યું, હસવું તે થઈ હાણ;

લાડકડા લાગનો, જીવા છું તું જાણ.

ચશ્માં તો વસમાં થયાં, ડબીએ વાળ્યો ડાટ;

જીવે ફરીને જીવતાં, ઘડ્યો એવો ઘાટ.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008