joDani shodh - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોડાની શોધ

joDani shodh

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી

કચેરીમાં આવી રાજા હબુજી કોપાયમાન

તાડૂકાવે તાતાં વેણ ગબુ કામદારને-

‘સાંભળ, ડફોળ! કાલે જાગ્યો છું હું સારી રાત,

વલોવી વલોવી એક કાઢ્યો છે વિચારને.

ભોંય માથે ચાલ્યે મારે પગે માટી લાગી જાય

એવું કેમ થાય એના શોધો તમે સારને;

મારા બેટા! બેઠા બેઠા મફત મુસારા ખાવ!

કરી મૂક્યો સાથે ધૂળધાણી કારભારને!

ભોંય પરે પાય મૂકયા ભેળી માટી લાગી જાય,

એનોય ઉપાય તુંને સૂઝે ગમારને?

મારી તકલીફ તણો તાકીદે નિકાલ કરો,

નીકર ઉગાર નથી, કાપીશ પગારને!’

*

સાંભળી સડક થાય કામદાર ગબુરાય,

ડોકે રેલા ચાલ્યા જાય, બન્યા છે બેબાકળા,

મોટા મોટા પંડિતોનાં ડાચાંય વકાસી રહ્યાં,

મુસદ્દીને થયા આખી રાતના ઉજાગરા.

વાટે-ઘાટે વનિતાઓમાંય વાતો ચાલી અને

ચૂલા ચેતાય, ટાઢાં રસોડાંનાં ઠામડાં.

આંસુડે પલાળી પાંખી દાઢી ધોળા વાળવાળી,

બાપુનાં ચરણ ઝાલી બોલ્યા ગબુ રાંકડાઃ

‘તમારે ચરણ, બાપુ, માટી જો નહિ લાગે

અમારે ચરણ-રજ લેવી ક્યાંથી, બાપલા!’

*

ડોકી હલાવીને રાજા હબુજીએ સુણી વાત,

સુણીને કીધું કે ‘તારી વાત સોળ વાલ છે.

પણ મારાં ચરણોનો પેલુકો ઇલાજ કરો,

ચરણ-રજની વાત વિચારી જાશે પછે.

ધરા માથે ધૂળ વિના પાય-રજ પામો નહિ

જખ મારવાને તંઈ પગાર અપાય છે?

લાંબી પદવીયુંવાળા વિજ્ઞાનવેત્તાઓ ઠાલા

રૂપાળા જાણીને રાજમાંઈ શું પોષાય છે?

પે’લું કામ પે’લું કરો, બીજાં અભરાયે ભરો,

આગે જોયું જાશે તો ભાવીમાં શું થાય છે!’

*

બાપુનો હુકમ સુણી કાંપ્યા ગબા કામદાર,

આંખે આવ્યાં અંધારાં ને લૂવે મોઢું ખેસથી,

લખાણા કાગળ અને વે'તા મેલ્યા હલકારા,

વિજ્ઞાની-જ્ઞાનીને એણે તેડ્યા દેશેદેશથી.

ચશમાંની ડાંડી જેની ઘસાઈ ઘસાઈ છેડે

ભાંગી પડી વિદ્યા કેરા સેવન વિશેષથી,

એવા મોટા ગ્રંથકાર જંતર-તંતરકાર,

બેટા વીંટાળીને કાને દોરી બડા ટેસથી;

અઢાર કોઠી તો ખાલી થઈ ગઈ તપખીર;

છીંકુંનાં પાણીડાં ખૂબ ગળ્યાં દાઢી-કેશથી;

ભેજા ખોતરીને કૈંક બોલ્યા ‘ધાન ઊગે કેમ,

‘માટી જો હટાવી દેશું તમામ દેશથી?’

સાંભળી હબુજી બોલ્યા હાકોટી, પછાડી હાથ,

‘તોબા છે તમારી બુદ્ધિની નવાજેશથી!

જખ મારવાને ત્યારે પંડિત કે’વાણા તમે,

માટી વિના મોલ નવ પાકે જો દેશથી!’

*

તમામે મળીને પછી ઇલમ ચલાવ્યો ઊંડો,

પોણીઓગણીશ લાખ ખરીદી સાવરણી,

માંડી ધૂળ વળાવવા શેરીયું ને સીમુંમાંથી,

ગટાટોપ ઊડ્યા ગોટા, ઢાંકી દીધી ધરણી.

ઢંકાણા સૂરજભાણ ધૂળ કેરે ધૂંવાધાર

આંખ ઊઘડે કોઈ નારીની કે નરની,

ખોં ખોં કરી મૂઆ કોઈ, કોઈ છીંકે-સળેખમે,

રાજાજીની કાયા થઈ ગઈ રજવરણી.

ધૂળની આંધીમાં આખી નગરી નહાઈ ઊઠી,

રાજા હબુજીને હોઠે ચાલી વાણી-ઝરણી:

‘ગમારો કેરી જમાત, ધૂળ હટાવવા જાત,

ધૂળભરપૂર કરી મેલી સારી ધરણી!’

*

પંડિતોએ અકલ ચલાવી પાછી બીજી વાર,

સાંજથી સવાર કરી જાગરણ જોશમાં,

એકવીશ લાખ ભિસ્તી અલકમલકમાંથી

મશક લઈને કાંધે છૂટ્યા પૂરહોશમાં,

હબ્બેશ ઉલેચ્યાં પાણી નવાણે નવાણમાંથી

પોરા તરફડે નદી-કૂવા ને તળાવમાં.

પાણી કેરાં કીધાં રાજધાની વિષે કચકાણ,

ધૂળધાણી થયો માલ બજારો ને હાટમાં.

મેલેરિયા ફાટી પડ્યો, મલક વેરાન બન્યો,

બાપુનેય ગુસ્સો ચડ્યો, બોલ્યા તાતા તાવમાં-

‘બધાય ગધેડા એક મારા વિના, બેવકૂફ!

ધૂળને નિવારી કીધાં કાદવનાં ખાંદણાં!’

*

ફરી પરિષદ ભરી, નવા સંતલસ કરી,

તૉલા હલાવીને તોળ્યાં પંડિતોએ ત્રાજવાઃ

'સૂઝ્યો છે ઉકેલ મને!' બોલ્યા એક વેદવાન,

‘હવે જરૂર રહી મૂંઝાવા કે લાજવા.

બાપુ હબુજીને પૂરી રાખો એક બંગલામાં

બીડી દેવાં બાર, કાણાં ચૂને લઈ ચાંદવાં,

તરડો-ચિરાડો માંહી લાંપી લાવી પુરી દેવી.’

એટલું સૂણીને સર્વે બોલી ઊઠ્યા ‘વાહ વા!’

*

‘મુદ્દા કેરી વાત!’ મૂંડો ધુણાવીને બાપુ બોલ્યા:

‘ઉચાટ ફક્ત એટલો મુંને રહે છે-

માટીની બીકે હું બંગલામાં જો બંધાઈ રહું,

રાજકારભાર તો તો માટીરૂપ લહે છે.’

‘બોલાવો ચમારો ચારેકોરથી મઢી દિયો

ધરતી બધીને ચામડેથી,' જ્ઞાની કહે છે.

‘ધૂળની મહીને માથે ઝુલ્ય વળી ઢાંકવાથી

કીરતિ મહીપતિની કવિ લોકો લવે છે.’

કરચલીઓથી પૉ’ળાં કપાળ ફુલાવી ધોળાં,

બાકીના પંડિતો કેરી જીભ એમ દ્રવે છે-

‘કુશળ ચમાર એવો વિશવમાં જડી જાય,

એને માથે, બાપલા! આધાર બધો રહે છે.’

*

બાપુના ચાકર ચારે ખંડ વિષે ખૂંદી વળ્યા,

બીજાં રાજાકાજ ટટળ્યાં તો દરકાર શી!

મળ્યો ચમાર એવો નિપુણ અવનિ પરે,

ચામડુંય પૂરું નવ સાંપડ્યું બજારથી.

ત્યારે પછી ધીરે ધીરે દૂરે ચમારોનો ડોસો

મુખી જરા મલકીને બોલે: ‘મારા બાપજી!

આખી ધરતીને ઢાંકવાને શાને જાવું પડે?

પોતાના પગ બંને ઢાંકો ધણી આપ જી!’

*

બોલ્યા હબુરાય 'ગોલા! આવી જો સીધો ઉપાય

હોય તો શું આખો દેશ મૂઓ જખ મારવા!'

બોલ્યા ગબા કામદાર ‘ઇ બેટાને નામદાર!

બોલ્યું કરે તો ફરમાવો કાંધ મારવા!’

બુઢ્ઢા ચમારે પછી બાપુ કેરા પગ પાસે

બેસી ધીરે ધીરે ગોઠવી દીધાં પગરખાં,

તે દીથી જગત પરે જોડાનો પ્રચાર ચાલ્યો,

બચ્યા ગબા કામદાર, અને ઊગરી ધરા!

(1944)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997