
રતન તૂં અમ પામર દીનનૂં, સુરભિ તૂં કરમાયલ ફૂલની
વિશદ જ્યોત નરોત્તમ કુલની, નમન અન્તરનાં ચરણે ધરૂં.
પ્રકૃતિ કાદવમાં કમળો રચે, મમ ઉરે રચિ તેં શુચિ ભાવના;
જિવનની તપમંગલ સાધના ઠરિ ગઈ તુજ શૈશવને તટે.
કઠણ અન્તરમાં અમિ હોત તો કુમળિ વેલ ઉખેડત ના વિધિ;
નવ ગવાડત ગીત વિલાપનાં નિજ સનાતન ક્રૂર નહોરથી.
પવનમાં તરતા તુજ પ્રાણની જલ સરોવરમાં પડતી પ્રભા.
મિટ અબોલ પ્રકાશ મહીં ભરી જળચરો નિરખે અવકાશમાં.
પવનમાં તરતા તુજ પ્રાણની સુરભિ સર્વ દિશા પ્રસરી રહે;
તરુવરો બનિ શાન્ત નમી રહે, સ્મૃતિ પવિત્ર રડે ભૂતકાલની.
પવનમાં તરતા તુજ પ્રાણની શિતળ છાય ઢળે ભર ગ્રીષ્મમાં;
વિરમતાં અહિં પંખી રમી રમી શ્રમિત પાંખ ઘડીક પ્રસારતા.
ઠરિ ગયાં સરતાં નિર નેનમાં, બધિર ઊર બન્યું પડઘા ભરી;
તનમનાટ ગયો રુદને ગળી, પણ ખુટી નહિ અન્તર વેદના.
શમિ ગયા ઉર શ્વાસ ધિમે ધિમે, ઠરિ ગઈ નિજ લોચનદીવડી;
રમિ રહ્યૂં સ્મિત મુખ પ્રભા પરે, ડુબિ ગઈ મુજ ચિન્તન નાવડી.
ફરિ ફરી પૃથિવી અટકી જશે, જગતનાં સહુ ચક્ર જશે ખડી;
પણ જડેલ ઉરે સ્મૃતિની કડી મરણથી ય કદી નવ તૂટશે.



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931