રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(અનુષ્ટુપ)
રક્તરૂપ બની વ્હેતા નાડોમાં પ્રાણ જેમના,
તેમનાં સ્મરણો માત્ર સેવવાંના રહ્યાં હવે!
જેમનું સુણતાં નામ હર્ષઘેલા બની અમે
દોડીને ભેટવા જાતા, તે અનામી થઈ ગયાં!
વ્હાલનો ગાજતો ટૌકો, નિત્ય નિત્ય નવાજતો;
શમ્યો એ : પડઘા ઊંડે અંતરે પડતા હજુ!
જાગતું જીવને જોમ જોતાં વાર જ જેમને;
તેમના દર્શનો દિવ્ય ધામે હાય! લીધાં હરી!
શીળેરી જેમની છાયા રક્ષા વિસ્તરતી હતી;
અગ્નિના ઓજમાં આખા એ હવે ઓગળી ગયાં!
હેતનો હાથ માથાએ ઠરતો હૈયું ઠારતો
હરાયો! દુઃખદુગ્ધાઓ દુરંત દમતી હવે!
અમારા બોજ સર્વે જે મસ્તકે ધૈર્યથી ધર્યા,
તેના વિના હવે ક્યાંથી હળવા ફૂલ મ્હાલશું!
જે ખોળે બેસતાં વાર બાદશાહ બની જતા,
ખંડાયો તે; બન્યા રાંક જેવા હા! રાજવી અમે!
હજારો હિતચિંતાની ઝાળો જેરવનારને
ચંડ ચિતાનલજ્વાળા જબરી જેરવી ગઈ!
હાજરી જેમની હામ હૈયામાં હલકારતી,
તેમના વણ હારોમાં કોણ હામ ટકાવશે?
શ્રેષ્ઠ સૌ અમ અર્થે જ સાચવી રાખનાર એ
આત્મભોગી ગયા! હીણું કર્મ હા! હીનભાગીનું!
ઉચ્ચ આશા–તરંગોએ અમને જે હિંચાવતા,
તેમના વણ ઊંડેરી નિરાશા ગળતી હવે!
આવે છે, યાદ આવે છે સૌ અવિસ્મરણીય એ,
ભૂતનો હર્ષ ને શોક વર્તમાનતણો બની!
અમ કાજ અરે! શું શું નથી હા! એમણે કર્યું!
નીચોવી પ્રેમથી પાયું સત્ત્વ જીવિતસર્વનું!
બાલ્યે લાડ લડાવ્યાં ને કૌમાર્યે શિક્ષણે સજ્યા,
સંસ્કાર્યા દીપ્ત દૃષ્ટાંતે, દીધી ચારિત્ર–ચારુતાં,
ભાવનાએ ભર્યા, ભવ્ય આદર્શો ઓળખાવિયા,
ને ત્યાં મુક્ત–વિહારાર્થે મુક્ત મુક્ત–મને કર્યા,
પીયૂષી દૃષ્ટિએ પોષી પુરુષાર્થી બનાવિયા,
તે પિતા પુષ્પ શ્રદ્ધાનાં સ્વીકારવા ય ના રહ્યા!
ખટકે અંતરે એક ખીલો અજ્ઞાનકાળનો;
ખટક્યા કરવાનો એ ખોળિયું છે તહીં સુધી.
સેવનીયતણી સેવા, પૂજા સંપૂજનીયની
હતા ત્યારે કરી રે ના! સોનેરી તક વેડફી!
ને સ્વાર્થજડતા–ઘેર્યા સ્વેચ્છાચાર–વિહારમાં
મૂઢાત્માએ અરેરે! મેં ઉવેખ્યા નગણે ઘણા!
કલિકાલ–કૃતઘ્ને મેં પરાયા સમ આચર્યું;
પસયાથી પરાયો, તે કાળે વ્હાલ બતાવિયું!
દુઃખદાવાળાનળે દગ્ધ દિલને દાખવી દયા,
અશોક શાંતિને ધામે ધર્મરાજ લઈ ગયા!
હવે જ્યારે હયાતી ના, પિતાર્થે પ્રાણ ક્રદંતો,
સ્મૃતિઓ ઊભરે આવે વાત્સલ્યપ્રતિમાતણી!
ભાવે અભાવ ને ભાવ અભાવે માનવો લહે;
ને અંતે અનુતાપોની આંચ અંતરને દહે!
સુભાગ્યે અગ્નિ એ મારે અંતરેય ભભૂક્તો,
વિરૂપ લોહને ગાળી રૂડેરે રૂપ ઢાળતો.
શૈશવે લાડ–લીલામાં, કૌમાર્યે પાઠ્ય પુસ્તકે,
યૌવને સ્વૈર સ્વપ્નામાં ગયો ભૂલી જ જેમને,
તેમના મનમાં મારે માટે શાં શાં સુચિંતનો
દિનરાત રહેતાં’તાં મારું મંગળ વાંછતાં,
સાધવા શ્રેય મારું કૈં કૈં શ્રમોની પરંપરા
પ્રતિ પ્રેર્યા કરી પાણી લોહીનુંય કરાંવતાં!
કષ્ટો કાળમુખાં વેઠ્યાં દળતી દીનતાતણાં;
કૃચ્છ ચાંદ્રાયણો કેરાં આપ્યાં સૌ સુફળો મને!
ને મૂઢમતિએ મેં તો રાજ્ય નિષ્ઠુર ભોગવ્યું;
પિતાના દુઃખ–દ્હાડાની પ્રતિ ના વ્હાલ વાળિયું!
ના દયાદૃષ્ટિયે વાળી; હાય દૈવવિપાક શો!
મનમોજી ગ્રહ્યો માર્ગ માયા ને મમતા તજી!
જડ હૈયું હવે જાગ્યું! જાગ્યું ના જાગવા સમે!
નિવાપાંજલિઓ દેવા ક્યાં છે ભસ્મે ય તાતની?
ક્ષમા તાત! ક્ષમામાં તો આપનું આયખું ગયું!
કિંતુ હૈયું નખી દેતું ક્ષમા નિત્ય બળ્યુંઝળ્યું!
બળતું એ ભલે રહેજો ભઠ્ઠીને ભડકે સદા;
પશ્ચાત્તાપતણી આગ પાવની પાપીઓતણી!
મા દયાની મહાદેવી, પિતા દૈવત દેવતા,
અર્ચાતાં આર્ય ભાવોએ આર્યાવર્ત વિષે અહીં.
જગજીવન વેરાન વહિ–વેરી મરૂસ્થલી;
લીલેરો દ્વીપ દૈવે ત્યાં દીધો ધન્ય કુટુંબનો!
ઘટા–ઘેર્યો તહીં ભવ્ય અનોખો કુંજ તાતનો,
શીળેરી ઢાળતો છાય સંતાપો હરતી બધા.
પીયૂષનિર્ઝરી માતા અખંડ ઝરણે વહે;
હૃષ્ટ, પુષ્ટ તથા તુષ્ટ બાલ–પુષ્પો પ્રફુલતાં.
કાન્ત એ કુંજને મૂળે રેડ્યું બિન્દુ જલે ન મેં!
કુંજ લુપ્ત થયો ત્યારે ઘન આક્રન્દતા ઢળે!
ત્યાગની કરતા વાતો અમે મૂર્ખ ઉછાંછળા;
પૂજ્ય સ્નેહ પરે લાતો નિઃસંકોચ લગાવતા!
પરસંસ્કૃતિએ પોષ્યા, મિથ્યાડંબર માણતા,
પ્રજ્ઞાનો કરતા દાવો અજ્ઞો હાય! અભાગિયા!
માત તાતતણો ત્યાગ અજોડ ઈહ લોકમાં;
પરમ પ્રેમનો પુણ્ય પરચો કૈં કરાવતો!
આપવાનું જ જાણે એ આપો આપ જ સર્વ કૈં,
આપીને જ સુખી થાય, દેખે ના દ્રોહની પ્રતિ!
માતા પિતા જ છે મોટા દેવ આ દુનિયા મહીં,
એમની સેવનામાં સૌ સૌભાગ્યો, શ્રેય સૌ વસે!
વિદ્યા, વિત્ત, તથા સત્તા આંજે, ના હૈયું કૈં હરે;
વાત્સલ્ય ભલું ને ભોળું આકર્ષે અંતરાત્મને.
એ વાત્સલ્યે ભરી વેગી સ્મૃતિ અંતરમાં સ્ફુરે,
થીજેલાં ઓગળી આંસુ ઢૂંઢે પ્રેમલના પદો.
અંતની પળનાંયે ના પિતૃદર્શન પામિયો!
હજારો કોશનાં આડાં અંતરો પાપ શાં નડ્યાં!
માથે હાથ મૂકી મારે છેલ્લી આશિષ આપવા
ઝંખના કરતા તાત ગયા! ઝૂરું હું ઝંખને!
વર્ષોનાં વ્હેણની સાથે પુણ્યશ્લોક પિતાતણી
વિસ્મૃતિઓ વહી જાતી, સ્મૃતિઓ આવતી વહી.
પિછાન પિતૃ–આત્માનું વૃદ્ધિ પામે દિને દિને;
છુપાવી જીવને રાખ્યું તે મોતે મોકળું કર્યું!
અજ્ઞાન પડળો મારાં વિદારી તાત–તેજનાં
કિરણો અંધતા–ઓથે હતું તે સૌ બતાવતાં!
અમૃત ઝરતાં સામે લસે વત્સલ નેત્ર એ;
અમીમાં ઓગળી જાતું શૈલત્વ સર્વ માહરું!
વ્હાલનું ઝરણુ વેગે વધી વ્યાકુલ દોડતું,
ભાવમૂર્તિ પિતાજીની પદરેણુ પખાળવા!
પટે પ્રાણતણા પૂરપ્રાવાહો પ્રેમના ચઢો;
પિતૃભક્તિતણાં સ્તોત્ર ઊર્મિ ઊર્મિ ગજાવતા!
સ્રોત
- પુસ્તક : પારિજાત (પૃષ્ઠ ક્રમાંક 183)
- સર્જક : પૂજાલાલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1954
- આવૃત્તિ : બી. આ