eleji - Karun Prashasti | RekhtaGujarati

હે હિમાદ્રી ચઢી ગયેલી!

હવે વાયુ વાસીદું વાળી જાય છે

ચંદ્ર દીવો કરી જાય છે

સૂર્ય ચા મૂકી જાય છે.

રોજ સવારે ગરમાગરમ.

રાત ઝમીઝમીને

ઝાકળ પાણી ભરી જાય છે.

ક્યારેક વાંસો ઘસીઘસીને

સ્નાન કરાવે છે વરસાદ.

શેરીમાંના કૂતરાં પૂછી જાય છે

ખબર-અંતર-

ને વ્હાલ કરી જાય છે

ફ્રીજ ખોલી દૂધ પી જતી બિલાડીઓ.

**

હે હિમાદ્રી ચઢી ગયેલી!

આટલી બધી સગવડ વધી ગઈ છે તારા પછી!

લીલીછમ ટેકરીઓના ઢોળાવને

પ્રભાતનાં કોમળ કિરણ અડકે

એમ મારે તને ફરી સ્પર્શવી છે.

ચસચસીને ચૂમવી છે.

ખોલવી છે ફરી ભેદી ગુફા

અને આખેય આખા

ગોઠવાઈ છુપાઈ લપાઈ જવું છે - તારા ગર્ભમાં

તું શું કહે છે, હેં?

આવીશ ને પાછી આવી શકીશ ને?

[ર]

અવાચક રાત્રિઓના પ્રહરે પ્રહરમાં

તારા રોમાંચની

મોટી મોટી ઇમારતો

અ-દૃશ્ય થઈ ગઈ છે -

ઈશ્વરની જેમ.

ના, નિત્ય વહેતા પવનની જેમ.

હું બેબાકળો છું

હાંફળો છું.

*

પ્રસાદ લેવાનું ચુકાઈ જતાં

બારે વ્હાણ લુંટાઈ ગયેલા

વાણિયાની જેમ

હું છલોછલ દરિયાને કાંઠે

હાથ વગરના હલેસાંની જેમ

લાચાર ઊભો છું.

લાચારીને આંસુ લાવતા આવડે છે

લૂછતાં નહીં.

[૩]

એવું તે શું છે

તને શોધી શક્તો નથી?

તેં આંખો મીંચી

ક્ષણથી મારી દૃષ્ટિ ઝૂંટવાઈ ગઈ છે?

શું, મારા બંને પગ ઠીંગરાઈ ગયા છે?

સતત

આવતા-જતા વિચારના માર્ગ પર

કરફ્યું નંખાઈ ગયો છે?

એવું તે શું થયું છે કે

મારા પાંખાળા શબ્દ

તારું પગેરું દાબવા

અ-સમર્થ રહે છે?

હવડ, ભેજ ભરેલા તારા શૂન્યાવકાશમાં

સજ્જડ થઈ ગયેલા ઓરડાઓમાં

હું જડું એમ મારે ખોવાઈ જવું છે.

અને હું ખોવાઉં તો તું મને

ખોવાયેલી મળે, પ્રિય.

[૪]

ક્યાં ગયા રસ્તા પર આવ-જા કરતા

માણસો?

શેરીની ધૂળમાં રમતાં બાળકો?

ઓશરીમાં બેસી શાક સમારતી

વહુવારુઓ?

તુલસીકુંડે દીવો મુકતી વૃદ્ધાઓ?

છાપું વાંચતી આંખો?

હીંચકાને ઠેસે ચડાવતા પગ?

બારીઓમાં ડોકાતી કુતૂહલવશ ડોક?

બધું બધું ક્યાં ગયું?

મધ્યરાત્રિના અંધકારની

ખૂબી છે ને, પ્રિય

સન્નાટાની સાંય સાંય

સિવાય, બધું ગુપચુપ છે.

ટૂંટિયું વાળી સુતેલા ગલુડિયાની જેમ

કોલાહલ ઝંપી ગયો છે.

અંધકારમાં અનિદ્ર નયનો ફેરવતો હું

વળગણી પર ભૂલથી રહી ગયેલાં લુગડાં

જેમ

ફરફરી રહ્યો છું.

અને અભરાઈએ ઊંધા વાળીને

મૂકેલાં વાસણોની જેમ

હું ખાલી થઈ ગયો છું.

કોઈ કરતાં કેમ કોઈ નથી?

મેં મારા પડછાયામાંથી

એક કાળી બિલાડી બનાવી દીધી છે; એને

હું સૂમસામ શેરીમાં ફેરવ્યાં કરું છું.

[પ]

અને હવે ડૂબવા તરવાનું માંડી વાળી

એક માછલી પાણી થઈ ગઈ છે.

રસપ્રદ તથ્યો

(આ કાવ્ય ચિનુ મોદીએ પોતાની પત્નીને આપેલ સ્મૃતિ અંજલિના કાવ્યના સંગ્રહ ‘સૈયર’માંથી લેવાયું છે)

સ્રોત

  • પુસ્તક : સૈયર (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2000