halaraDun - Halarda | RekhtaGujarati

હાલરડું

halaraDun

કૈલાસ પંડિત કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે,

વાયરાઓ! જરા ધીરા વાજો, નીંદમાં પોઢેલ છે.

રમશું દડે કાલ સવારે, જઈ નદીને તીર,

કાળવી ગાયના દૂધની, પછી રાંધશું મીઠી ખીર;

આપવા તને મીઠી મીઠી, આંબલી રાખેલ છે,

દીકરો...

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાં બોર,

છાંયડા ઓઢી ઝૂલશું, ઘડી થાશે જ્યાં બપ્પોર;

સીમ વચાળે, વડલા ડાળે, હીંચકો બાંધેલ છે,

દીકરો...

ફૂલની સુગંધ, ફૂલનો પવન, ફૂલના જેવું સ્મિત,

લાગણી તારી લાગતી, જાણે ગાય છે ફૂલો ગીત;

આમ તો તારી, આજુબાજુ કાંટા ઊગેલ છે,

દીકરો...

હાલક ડોલક થાય છે પાંપણ, મરક્યા કરે હોઠ,

શમણે આવી વાત કરે છે, રાજકુમારી કો’ક;

રમતાં રમતાં હમણાં એણે, આંખડી મીંચેલ છે,

દીકરો...

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 414)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995