khalasina balanun halaraDun - Halarda | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખલાસીના બાળનું હાલરડું

khalasina balanun halaraDun

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ખલાસીના બાળનું હાલરડું
ઝવેરચંદ મેઘાણી

[“ઓધવજી! મેં આવડું નો'તું જાણ્યું”—એ ઢાળ]

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા ગાજો

રે ધીરા ગાજો

મેહુલિયા હો, ધીરા ધીરા ગાજો!

બાળુડાના બાપ નથી ઘરમાં

આથડતા દૂર દેશાવરમાં

લાડકવાયો લોચે છે નીંદરમાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

વીરા! તમે દેશદેશે ભટકો

ગોતી એને દેજો મીઠો ઠપકો

લખ્યો નથી કાગળનો કટકો!

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મેઘલ રાતે ફૂલ મારું ફરકે

બાપુ! બાપુ! બૂમ પાડી થડકે

વિજોગણ હુંય બળું ભડકે

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

સૂતી'તી ને સ્વામી દીઠા સ્વપને,

‘વા'ણે ચડી આવું છું.’ કે’તા મને,

ચાંદલિયા! વધામણી દૈશ તને,

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

મીઠી લે’રે મધદરિયે જાજો

વા'લાજીના સઢની દોરી સા’જો

આકળિયા નવ રે જરી થાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

રાતલડીનાં તેજ રૂપાવરણાં

ફૂલ્યાં રે એવા સઢડા વા'લાજી તણા

ભાળું હું કાગાનીંદરે નાવ ઘણાં

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

બેની મારી લેર્યો સમુદરની!

હળવે હાથે હીંચોળો નાવડલી

હીંચોળે જેવી બેટાની માવડલી

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

પાછલી રાતે આંખ મળેલ હશે

ધીરીધીરી સાંકળ રણઝણશે

બેમાં પે’લો સાદ કેને કરશે?

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

ધીરા વાજો

રે મીઠા વાજો

વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!

(1929)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 272)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997