shiwajinun halaraDun - Halarda | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શિવાજીનું હાલરડું

shiwajinun halaraDun

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
શિવાજીનું હાલરડું
ઝવેરચંદ મેઘાણી

[કાચબા-કાચબીના ભજન પરથી ઘડેલો ઢાળ]

આભમાં ઊગેલ ચાંદલો ને

જીજાબાઈને આવ્યાં બાળ

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે!

શિવાજીને નીંદરું ના'વે

માતા જીજાબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે

રામ-લખમણની વાત

માતાજીને મુખ જે દિ’થી

ઊડી એની ઊંઘ તે દિ’થી. -શિવાજીને.

પોઢજો રે, મારાં બાળ!

પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળાં જુદ્ધ ખેલાશે

સૂવા ટાણું ક્યાંય નૈ રેશે. -શિવાજીને.

ધાવજો રે, મારાં પેટ!

ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રે'શે નહિ, રણઘેલુડા!

ખાવા મૂઠી ધાનની વેળા. -શિવાજીને.

પે'રી ઓઢી લેજો પાતળાં રે!

પીળાં લાલ પીરોજી ચીર

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દિ' ઢાલનું થાશે. -શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી

ફેરવી લેજો આજ!

તે દિ' તારે હાથ રે'વાની

રાતી બંબોળ ભવાની. -શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને

ભાલે તાણજો કેસર-આડ્ય

તે દિ'તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા,બાપા. -શિવાજીને.

આજ માતા ચોડે ચૂમીયું રે, બાળા!

ઝીલજો બેવડ ગાલ

તે દિ'તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે. -શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે

તુંને હૂંફ આવે આઠ પો’ર

તે દિ’ કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે. -શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે

કૂણાં ફૂલડાં કેરી સેજ

તે દિ'તારી વીર-પથારી

પાથરશે વીશ-ભુજાળી. -શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે

તારાં માથડાં ઝોલે જાય

તે દિ’ તારે શિર ઓશીકાં

મેલાશે તીર-બંધૂકા. -શિવાજીને.

સૂઈ લેજે મારા કેસરી રે!

તારી હિંદવાણું જોવે વાટ

જાગી વે'લો આવ,બાળુડા!

માને હાથ ભેટ બંધાવા.

જાગી વે'લો આવજે,વીરા!

ટીલું માના લોહીનું લેવા

શિવાજીને નીંદરું ના'વે

માતા જીજાબાઈ ઝુલાવે.

(1928)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997