male - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,

હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જીદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,

અશ્રુની જીદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,

દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મોહબ્બતના રાહ પર,

પગથીઓ આવનારને પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,

હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે રહેમત ગુનાહ છે,

રહેમત કદી લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો રહેશે કશું પછી,

મુજને સતત પ્રવાસ ઠોકર વગર મળે.

ઇચ્છાઓ કેટલી મને ઇચ્છા વગર મળી,

કોણે કહ્યું ‘અમીન’ માગ્યા વગર મળે ?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4