em pan bane - Ghazals | RekhtaGujarati

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

હાથ આખે આખો બળે એમ પણ બને

જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં-

મન પ્હોંચતાં પાછું વળે એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?

એક પગ બીજા પગને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું,

અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 268)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004