wembliman laDakhDe chhe gurjari - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૅમ્બલીમાં લડખડે છે ગુર્જરી

wembliman laDakhDe chhe gurjari

અદમ ટંકારવી અદમ ટંકારવી
વૅમ્બલીમાં લડખડે છે ગુર્જરી
અદમ ટંકારવી

વૅમ્બલીમાં લડખડે છે ગુર્જરી

જિન્સ પહેરીને ફરે છે ગુર્જરી

લૅસ્ટરમાં સહેજ ઊંચા સાદથી

શૉપમાં રકઝક કરે છે ગુર્જરી

બ્લેકબર્નમાં ખૂબ હાંફી જાય છે

બર્ફ પર લપસી પડે છે ગુર્જરી

બોલ્ટનમાં જાણે બોમ્બેમિક્ષ છે

ત્યાં પડીકાંમાં મળે છે ગુર્જરી

હાળું અંઈ હુરતના જેવું ની મલે

બૅટલીમાં ગાળ દે છે ગુર્જરી

પાંચ વાગે હું તને પિક્અપ કરીશ

એમ દીકરીને કહે છે ગુર્જરી

એક મૅડમ ક્યારની કહે છે શટ્અપ

તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી

સીલી બુલશીટ ડમ્બ સ્ટુપીડ રબીશ

સાંભળી લાજી મરે છે ગુર્જરી

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં

ને અહીં ભજિયાં તળે છે ગુર્જરી

વાસીકુસી થઈ ગઈ બારાખડી

ફ્રિજમાં સાચવે છે ગુર્જરી

આંખ મીંચી નર્મદાનું નામ લઈ

થેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી

આંગ્લભાષા સતત બુલિંગ કરે

તે છતાં હસતી રહે છે ગુર્જરી

બ્રિટનમાં આવી બ્રિજરાતી થઈ

અવનવા રંગો ધરે છે ગુર્જરી

હાશ કહીને બૅન્ચ પર બેસી પડે

એકલી બબડ્યા કરે છે ગુર્જરી

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે

ક્યાંક ઑટમ થઈ ખરે છે ગુર્જરી

કોક એને પણ વટાવી ખાય છે

પાંચ પૅનીમાં મળે છે ગુર્જરી

સાંધાવાળો સાડલો પહેરી ફરે

ક્યાં હવે દીઠી ગમે છે ગુર્જરી

આર્થરાઈટીસથી હવે પીડાય છે

લાકડી લઈને ફરે છે ગુર્જરી

સાંજ પડતાં એને પિયર સાંભરે

ખૂણે બેસીને રડે છે ગુર્જરી

જીવ પેઠે સાચવે એને અદમ

ને અદમને સાચવે છે ગુર્જરી

રસપ્રદ તથ્યો

વૅમ્બલી : લંડનનો ગુજરાતી વિસ્તાર; લૅસ્ટર, બ્લેકબર્ન, બોલ્ટન, બૅટલી : બ્રિટનના શહેર; બોમ્બેમિક્ષ : ચેવડો; થેમ્સ : લંડનની નદી.

સ્રોત

  • પુસ્તક : ગુજલિશ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2001