warasti wadli aapo - Ghazals | RekhtaGujarati

વરસતી વાદળી આપો

warasti wadli aapo

સાકિન કેશવાણી સાકિન કેશવાણી
વરસતી વાદળી આપો
સાકિન કેશવાણી

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,

આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જિવાઈ તો જાશે,

તમારા આગમનની કંઈ ખબર ખોટી-ખરી આપો.

તમારી યાદની ઉષ્મા મળે તોપણ ગનીમત છે,

તરણાંઓના ભોગે હૂંફ લેવા તાપણી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,

જો મારા હોઠ સીવો તો મુજને બંસરી આપો.

ફૂલો ખિલાવવાના હૈયે પણ કોડ રાખે છે,

મરુભૂમિને માટે પણ વરસતી વાદળી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,

મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

ઉષાની એકધારી રમ્યતા જોવી નથી ગમતી,

કે આંખોને નીરખવા કોઈ સૂરત સાંવરી આપો.

નથી મારે જીવન પર રાખવા ઉપકાર કોઈના,

કિરણ પાછાં ધરી દઉં સૂર્યને આરસી આપો!

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,

તમે 'સાકિન'ને એવો પ્રેમનો પારસમણિ આપો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4