wanina swangman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાણીના સ્વાંગમાં

wanina swangman

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
વાણીના સ્વાંગમાં
અમૃત ઘાયલ

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં!

કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં!

આપણને આદિકાળથી અકળાવતું હતું,

લાવ્યો છું મૌન હું વાણીના સ્વાંગમાં!

બસ આમ સ્થિર દૃષ્ટિ વડે સ્પર્શતાં રહો,

લાગે છે બહુ સુંવાળી શાણીના સ્વાંગમાં!

સળગી રહ્યું છે સ્વપ્નગગન, સાંજ તો જુઓ!

જાણે ખડી છે લ્હાય લહાણીના સ્વાંગમાં!

પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,

તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં!

પોથી બગલમાં જોઈને ભરમાઈ ના જતાં,

પાખંડીઓ ફરે છે પુરાણીના સ્વાંગમાં.

‘ઘાયલ’, અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ,

દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022