sahra - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભરે છે ઝાંઝવાંના ઘૂંટ, તડકો ખાય છે સહરા;

નિશાએ ઓઢીને અંધાર પોઢી જાય છે સહરા.

નથી સંતાઈ શકતો, ઘણો સંતાય છે સહરા,

સમંદર ફેરવે પડખું છતો થઈ જાય છે સહરા.

સ્વજનના, આમ તો એનું ભર્યા ભેંકારમાં કોઈ,

સહારે વીરડાને એક જીવ્યે જાય છે સહરા.

લલાટે કોઈના કાયમ લખાણી લૂ નથી હોતી,

કદી તો ચાંદનીના શીત જલમાં ન્હાય છે સહરા.

તમે જ્યાં આંખ માંડો છો તહીં લહેરાય છે ઉપવન,

તમે જ્યાં ફેરવી લ્યો આંખો કે સર્જાય છે સહરા.

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી,

હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે. સહરા.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981