ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત
oLakh gumaavvaanii vyathaa thaay chhe satat

ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત
oLakh gumaavvaanii vyathaa thaay chhe satat
પરબતકુમાર નાયી
Parbatkumar Nayi

ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત,
ટોળામાં આવવાની વ્યથા થાય છે સતત.
પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું પણ,
માથું નમાવવાની વ્યથા થાય છે સતત.
મારી ખૂબી વખાણે કોઈ એ જ ટાંકણે,
ખામી છુપાવવાની વ્યથા થાય છે સતત.
ભેગી કરે છે ભીડ એ લોકોના મનમાં પણ,
ઊઠાં ભણાવવાની વ્યથા થાય છે સતત!
લગભગ જગતમાં સર્વને પથ્થરની આંખ છે,
હુન્નર બતાવવાની વ્યથા થાય છે સતત.



સ્રોત
- પુસ્તક : એતદ્ : જુલાઈ - સપ્ટેમ્બર, ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : કમલ વોરા, નૌશિલ મહેતા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર