sonsarawun koi teer - Ghazals | RekhtaGujarati

સોંસરવું કોઈ તીર

sonsarawun koi teer

ભરત ભટ્ટ 'તરલ' ભરત ભટ્ટ 'તરલ'
સોંસરવું કોઈ તીર
ભરત ભટ્ટ 'તરલ'

સોંસરવું કોઈ તીર હજી પણ જતું નથી,

હું મત્સ્ય છું ને કોઈ મને વીંધતું નથી.

પથ્થરનો એક અર્થ છે થીજી ગયેલું જળ,

થીજી ગયેલ જળમાં કશું પણ થતું નથી.

કંઈ કેટલાય જન્મથી રસ્તા અપંગ છે,

લાચાર ચરણને કશું સૂઝતું નથી.

એક્કેય સ્વપ્ન રાત ઉછેરી શકી નહીં,

જન્મે છે રોજ સ્વપ્ન અને જીવતું નથી.

ઊગી રહ્યું છે ઘાસ બધાનાં શરીરમાં-

માટીપગા જીવને અચરજ થતું નથી.

આપે છે સર્વ ઝખ્મ દિલાસાના રૂપમાં,

આશ્ચર્ય છે કે કોઈ કશું ભૂલતું નથી.

પંડિતજીએ પોથી ઉપર વૃક્ષ ચીતર્યું,

કિન્તુ, વિહગ વૃક્ષ ઉપર બેસતું નથી.

સ્રોત

  • પુસ્તક : મીણના માર્ગ પર (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ભરત ભટ્ટ ‘તરલ’
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2016