shun achanak sambharyu chhe koinun howapanun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું અચાનક સાંભર્યુ છે કોઈનું હોવાપણું

shun achanak sambharyu chhe koinun howapanun

સુરેન ઠાકર 'મેહુલ' સુરેન ઠાકર 'મેહુલ'
શું અચાનક સાંભર્યુ છે કોઈનું હોવાપણું
સુરેન ઠાકર 'મેહુલ'

શું અચાનક સાંભર્યુ છે કોઈનું હોવાપણું

કેમ અણધાર્યુ સતાવે છે મને સંભારણું.

શક્યતા ના હો છતાં પણ સાંભરું છું હું કદી?

યાદ આવે છે તને આભાસી ઘરનું આંગણું?

પ્રવાસી! આવી એકલતા કદી સાલી નથી

હું દીવાલે લીંટીઓ દોરી, નિસાસાઓ ગણું.

એકધારું આજ તો વરસ્યા છે ગુલમ્હોરો અહીં

એક શ્વાસે આજ તો હું પી ગયો છું પણ ઘણું.

કોઈ વીતેલો દિવસ જો સાંભરે તો આવજે

સાવ રસ્તામાં છે છોડી દીધેલું પરગણું.

સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથા

એક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું.

આજ લાગે છે કે થોડી હૂંફ હોવી જોઈએ

ચાલ ‘મેહુલ’ ઘર જલાવીને કરીએ તાપણું.

સ્રોત

  • પુસ્તક : સુરેન ઠાકર ‘મહુલ’ ('સુખનવર' શ્રેણી) (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ચિનુ મોદી, કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1991