e pachhi ha ra proshitbhartrika gajhal - Ghazals | RekhtaGujarati

એ પછી : ર - પ્રોષિતભર્તૃકા ગઝલ

e pachhi ha ra proshitbhartrika gajhal

જવાહર બક્ષી જવાહર બક્ષી
એ પછી : ર - પ્રોષિતભર્તૃકા ગઝલ
જવાહર બક્ષી

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ

આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં

વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં

એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ

તારા વિનાનો મારો ભીનો ઉજાગરો

કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની હૂંફ

કાલે ફરી બરફના સૂરજ ઊગશે રે લોલ

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999