samjo nahin ke – - Ghazals | RekhtaGujarati

સમજો નહીં કે –

samjo nahin ke –

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
સમજો નહીં કે –
બરકત વીરાણી 'બેફામ'

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,

આમ તો તમે જે પાપ કરો છો ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,

પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં

તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું મારો પીછો કદી છોડતો નથી,

જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું હોઉં છું.

રાખે આમ કોઈને અલ્લાહ એકલા,

કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું રીતે,

અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’ મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,

મારા જનમ ઉપર તો ફક્ત હું રોઉં છું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004