mari hajri nahoti - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી હાજરી નહોતી

mari hajri nahoti

બેફામ બેફામ
મારી હાજરી નહોતી
બેફામ

ગલત ફહેમી કરજે, ઐશ માટે મયકશી નહોતી;

મને પણ શેખ! તારી જેમ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?

જીવ્યો ત્યારે જાણ્યું કે સાચી જિંદગી નહોતી.

નથી દોષ તારો કે મળ્યાં છે ઝાંઝવાં, સાકી!

પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;

કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,

લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;

કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિદોર્ષતા તો જો!

રહી એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબતના,

હતાં ફાટેલ વસ્ત્રો, ફક્ત દીવાનગી નહોતી.

દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,

કુરબાની હતી મારી, મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ' સૌ મારા મરણ પર કારણથી,

હતો મારો અવસર ને મારી હાજરી નહોતી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004