kyank - Ghazals | RekhtaGujarati

ક્યાંક હું છું, ક્યાંક તું છે ને સમય જાગ્યા કરે

આપણી વચ્ચે વહેતું જળ મને વાગ્યાં કરે.

બારણાં ખુલ્લાં હશે ને શેરીઓ સૂની હશે

આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યાં કરે.

રિક્ત મન ભરવા પવન, મથતો રહેવાનો સદા

ડાળ પરનાં પાંદડાં, છુટ્ટાં પડી ભાગ્યાં કરે

તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ

કૈંક પગલાં રસ્તો આજ પણ માગ્યા કરે.

આવ, પાછી આવીને ઇર્શાદને તું પૂછજે :

‘અશ્રુનો ખારાં સમંદર શું કામ તું તાગ્યાં કરે?'

(૧ર-પ-ર૦૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012