kawan thai gayan chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવન થઈ ગયાં છે

kawan thai gayan chhe

બેફામ બેફામ
કવન થઈ ગયાં છે
બેફામ

વિરહની નિશાનાં તિમિર જેમ સૂચક

રીતે બંધ મારાં નયન થઈ ગયાં છે;

બીજા રૂપમાં બેય પાંપણની જેવાં

બરાબર ઉભયનાં મિલન થઈ ગયાં છે.

ભલા કેમ બેચેન જાગ્રત અવસ્થા

સમાં માનવીનાં જીવન થઈ ગયાં છે?

મરણ-નીંદમાંથી કયામતની પહેલાં,

શું ઝબકીને ખુલ્લાં નયન થઈ ગયાં છે?

અમારાં સ્વપ્નનું સદભાગ્ય ક્યાંથી?

સ્વપ્નમાં રહેલાં સુખો થાય સાચાં;

કે વાસ્તવિક જગનાં સાચાં સુખો પણ,

અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.

ઘણાંયે દુઃખો રીતે પણ મળ્યાં છે,

કે જેને કદી જોઈ પણ ના શક્યો છું;

ઘણીયે વખત નીંદમાં સૂઈ રહ્યો છું,

અને બંધ આંખે રુદન થઈ ગયાં છે.

મળ્યા'તા મને માર્ગમાં ઠોકરો થઈ

પથ્થર હવે કેમ પથ્થર ગણાશે?

કદમના રુધિરની લાલી મળી કે,

જગત-દષ્ટિએ રતન થઈ ગયા છે.

ચમનને શીતળ નીર દઈ પોષનારાં,

ભલા વાદળોનોય વિશ્વાસ કેવો?

મૂકી વીજની આગ એણે એવી

કે બરબાદ સઘળાં સુમન થઈ ગયાં છે.

ગમે તેટલી ઉન્નતિ હોય કિન્તુ

સદાનું સલામત નથી સ્થાન એમાં;

ગગનની ઉપર પણ હતા સ્થાયી એવા,

સિતારા તણાંયે પતન થઈ ગયાં છે.

નથી મેળવાતી ખુશી સંપત્તિથી,

મોજાં રડીને કહે છે જગતને—

ભીતરમાં મોતી ભર્યાં છે છતાંયે,

સમુદ્રોનાં ખારાં જીવન થઈ ગયાં છે.

પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,

પ્રણયની પછી પણ મને કામ આવ્યા;

પ્રસંગો ઉપરના પડદા બન્યા છે,

ઉમંગો ઉપરનાં કફન થઈ ગયાં છે.

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને

બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?

મળ્યાં દર્દ અમને જે એના તરફથી,

અમારા તરફથી કવન થઈ ગયાં છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4