બળે છે!
Bale Chhe!
અમૃત કેશવ નાયક
Amrut Keshav Nayak
આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે!
તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે!
ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે !
મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે !
સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1992