વિઘાતક છે જે ફૂલોના, એ પથ્થરના પૂજારી છે
vighaatak chhe je phuulonaaa, ae paththarnaa puujaarii chhe

વિઘાતક છે જે ફૂલોના, એ પથ્થરના પૂજારી છે
vighaatak chhe je phuulonaaa, ae paththarnaa puujaarii chhe
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

વિઘાતક છે જે ફૂલોના, એ પથ્થરના પૂજારી છે;
પ્રભુ! તુજ નામની પણ કેટલી ખોટી ખુમારી છે?
અતિથિ કાયમી યજમાન માની લે છે પોતાને,
મધુર-ભાષી જગતની અલ્પ સેવા પણ ઠગારી છે.
મરણની બાદ પણ માયા તણું બંધન નહીં છૂટે,
કફનના વેશમાં દુનિયા જ સાથે આવનારી છે.
નજરની એક ચૂકે હાથ ઘસતી રહી જશે દુનિયા,
અમારા કાફલાની ધૂળના ગોટે સવારી છે.
નથી માનવની કીકીથી વધુ સૃષ્ટિની મર્યાદા!
પછી કેવા ભરમમાં ઈશ્વરે લીલા વધારી છે?
સતત જાગી અમે ને તારલાએ સાર એ દીઠો,
અવિરત રૂપ-ઝંખનમાં નયન કેરી ખુવારી છે.
અમે કો' એકના થઈને સકળ ત્રિલોક લઈ બેઠા,
તમે પણ શૂન્ય થઈ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 288)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ