to hun warta kahun - Ghazals | RekhtaGujarati

તો હું વારતા કહું

to hun warta kahun

ભાગ્યેશ જહા ભાગ્યેશ જહા
તો હું વારતા કહું
ભાગ્યેશ જહા

સમજણની ધાર કાઢ, તો, હું વારતા કહું,

મનનો તું ખોલ, માઢ, તો હું વારતા કહું.

મૌનના નગરના રસ્તા છે અટપટા,

ભાષાને દુઃખે દાઢ, તો, હું વારતા કહું.

ઊગી ગયું છે ઘાસ, કારણ વિના કશા,

કારણ વિના, તું વાઢ, તો, હું વારતા કહું.

આખું નગર દોડી રહ્યું એક દિશા તરફ,

અફવા બને, જો, ગાઢ, તો, હું વારતા કહું.

સૂરજ અમારા ગામનો, પોતાથી પીગળ્યો,

લાગે તને, જો, ટાઢ, તો હું વારતા કહું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2013 (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : પ્રવીણ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2015