kshno bebakli laine jawun to kyan jawun bolo? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્ષણો બેબાકળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

kshno bebakli laine jawun to kyan jawun bolo?

નીરજ મહેતા નીરજ મહેતા
ક્ષણો બેબાકળી લઈને જવું તો ક્યાં જવું બોલો?
નીરજ મહેતા

ક્ષણો બેબાકળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

વિરહઘેલી ફળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

નગારું હોત તો પીટાત ઢંઢેરો નગર મધ્યે

મધુરી વાંસળી લઈને જવું તો ક્યાં જવું બોલો

અંધારું ઘોર છે ને તેલ નામે કૈં બચ્યું છે ક્યાં

ફક્ત દીવાસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

મળી જો હોત છાતી તો કદી ખેલાત યુદ્ધો પણ

તૂટેલી પાંસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

ધર્યો છે મૂળથી અંગુષ્ઠ ઉચ્છેદીને તવ ચરણે

હવે આંગળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

હયાતી હોત સાકર તો કદાચિત ઓગળી શકતે

ભરેલી તાંસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

હવે દેહને છોડી જવામાં શાણાપણ સાચું

કનડતી કાંચળી લઈને જવું તો ક્યાં જવું બોલો?

સ્રોત

  • પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : ડૉ. નીરજ મહેતા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014