વળાવનાર નથી
valavnar nathi
મહેન્દ્ર 'સમીર'
Mahendra 'Sameer'
ભલે છું અંધ, ગગન! કિંતુ ફૂલ-સ્પર્શ થકી,
પિછાણી લૈશ ક્યાં બિંદુઓ તુષાર નથી.
ગણીને સાંજ ન રોકીશ કાફલો, રહબર!
સમયને મન તો કોઈ સાંજ કે સવાર નથી.
ઠરી શકી ન કદી આંખડી ગુલાબો પર,
નજરથી તારા અધરનો ગયો ખુમાર નથી.
કળીનું ફૂલ થવું, પારધીનું મુસ્કાવું,
બિચારી બુલબુલો આજે જ હોશિયાર નથી.
નયનનું નૂર ગયું, અંગ-અંગ પ્યાસ ગઈ,
લે ચાલ જીવ! હવે કોઈ આવનાર નથી.
મિલનની આશ નથી, કિંતુ આંગણે મારા,
મરણના દ્વાર લગી કો’ વળાવનાર નથી.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 193)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ