gunijan - Ghazals | RekhtaGujarati

ગુણીજન

gunijan

સંજુ વાળા સંજુ વાળા

સહજ સાંભરે એક બાળા ગુણીજન,

ગઝલ-ગીતની પાઠશાળા ગુણીજન.

પ્રણયની પઢી પાંચ માળા ગુણીજન,

ખુલ્યાં બંધ દ્વારોનાં તાળાં ગુણીજન.

નહીં છત મળે તો ગમે ત્યાં રહીશું,

ભરો કિન્તુ અહીંથી ઉચાળા ગુણીજન.

પડ્યો બોલ ઝીલે ઢળે ઢાળ માફક,

નિરખમાંય નમણાં નિરાળાં ગુણીજન.

ધવલ રાત્રિ જાણે ધુમાડો... ધુમાડો...

અને અંગ દિવસોના કાળા ગુણીજન.

કદી પદ, પ્રભાતી કદી હાક, ડણકાં,

ગજવતાં રહે ગીરગાળા ગુણીજન.

મત્લાથી મક્તા સુધી પહોંચતાં નોતો,

રચાઈ જતી રાગમાળા ગુણીજન.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999