vagar piidhe j - Ghazals | RekhtaGujarati

વગર પીધે જ

vagar piidhe j

દિલહર સંઘવી દિલહર સંઘવી
વગર પીધે જ
દિલહર સંઘવી

સુરાનો કેફ ક્યાંથી નીતરે મારાં નયનમાંથી?

વગર પીધે હું પાછો ફર્યો છું મયસદનમાંથી.

વિસામો આપનારા વૃક્ષને તરછોડી ઊડેલાં,

વિહંગો, લઈને જાકારો ફર્યાં પાછાં ગગનમાંથી,

ચમકવું પણ નથી સારું ને ચડવું પણ નથી સારું,

ઘણો છે બોધ લેવાનો, સિતારાના પતનમાંથી.

થશે સામ્રાજ્ય પોતાનું ખ્યાલે રાચતા કંટક,

કહે છે, પાનખરને : ફૂલને કાઢો ચમનમાંથી,

મુબારક હો તમોને જાગૃતિની ઝંખના સઘળી,

મને તો જાગવાનું મન નથી થાતું સ્વપ્નમાંથી.

ચમનમાં આવતાં મુખ કેમ ફિક્કું થઈ ગયું, દિલબર?

ફૂલોએ રંગ તો ચોરી નથી લીધા વદનમાંથી?

અલંકૃત હોય તો પણ થઈ જવાના મૂલ કોડીના,

અગર ઈતબાર જો ચાલ્યો જવાનો છે વચનમાંથી.

ભૂલી એકતાન થાવું, તાનપલ્ટા પર ચડ્યા ગાયક,

ઊઠીને એટલે ચાલ્યો ગયો’તો હું ભજનમાંથી.

જીવનભર મારી ફાકામસ્તીનો જે ભેદ ના સમજ્યા,

જરીના તાર શોધે છે હવે મારા કફનમાંથી!

મનોમંથનને અંતે સાંપડેલું સત્ય છે, ‘દિલહર’!

સકળ સંસારની છે ઉત્પત્તિ મારા મનમાંથી.

સ્રોત

  • પુસ્તક : ધન્ય છે તમને (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : રૂપાયતન, જૂનાગઢ
  • વર્ષ : 2025