kashiy phikar nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કશીય ફિકર નથી

kashiy phikar nathi

ઓજસ પાલનપુરી ઓજસ પાલનપુરી
કશીય ફિકર નથી
ઓજસ પાલનપુરી

મારી દશાની મારા ઉપર કંઈ અસર નથી,

નિશ્ચિંત છું હું, જાણે કશીયે ફિકર નથી.

પુષ્પોના સ્મિતમાંય ખુશાલીનાં ગીત છે,

ઓર વાત છે, કોઈ શબ્દો કે સ્વર નથી.

આપ્યું છે એમણે શું તને પણ કંઈ વચન?

રાત! તુજને કેમ જવાની ફિકર નથી?

લોકો કહે છે, ‘આજ દિવાળીની રાત છે.’

સંભવ છે એવું હોય, મને તો ખબર નથી.

ભાવિ ખુશીને હાલના ગમમાં હું જોઉં છું;

મોસમ બહારનીય ઘટાઓ વગર નથી.

દુનિયાથી હાથ ઉઠાવીને બેઠો છું આજકાલ;

આવી શકે તો આવ, હવે કોઈ ડર નથી.

વીતી હો જેને દયાળુ બની શકે;

દુઃખની પરખ કોઈને અનુભવ વગર નથી.

છે કેટલા પ્રકાર રુદનના જોઈ લો;

ના જુઓ કે પાંપણો અશ્રુથી તર નથી.

‘ઓજસ' મળી ગઈ છે ગુલોમાં જગ્યા મને,

ઝાકળ છું હું કે ખાર છું, એની ખબર નથી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4