જાણું છું
Janu Chhu
શયદા
Shayada

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
હું બોલો બોલી પાળું છું–તું બોલો બોલી બદલે છે,
તું બોલ બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.
તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.
ઓ પ્રેમ-૨મતના ૨મનારા, તું પ્રેમ-૨મતને શું સમજે?
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’, સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004