રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
બ્હાર રાખ્યો છે
Bahar Rakhyo Chhe
અશોક ચાવડા 'બેદિલ'
Ashok Chavda 'Bedil'
ગલી, શેરી, મહોલ્લો ને કબરની બ્હાર રાખ્યો છે;
મને બહુ કાળજીપૂર્વક નગરની બ્હાર રાખ્યો છે.
જો તારું હોત તો હું પણ ખુશીથી બ્હાર આવી જાત,
અહીં તો તેં મને મારા જ ઘરની બ્હાર રાખ્યો છે.
નજરમાં કેમ આવું હું કે મારી વેદના આવે,
સદીઓની સદીથી બસ નજરની બ્હાર રાખ્યો છે.
કદી ના કોઈએ જાણ્યું કે મારા પર વીતી છે શું?
ખબર કેવળ તને છે તેં ખબરની બ્હાર રાખ્યો છે.
જમાનાની નવી આબોહવાને માન આપીને,
મને સાથે જ રાખીને સફરની બ્હાર રાખ્યો છે.
સ્રોત
- પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : અશોક ચાવડા 'બેદિલ'
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2017
- આવૃત્તિ : 3