ટોચ પરથી તો જગત નાનું જ દેખાશે તને
toch parthi to jagat nanu j dekhashe tane

ટોચ પરથી તો જગત નાનું જ દેખાશે તને
toch parthi to jagat nanu j dekhashe tane
ભરત ભટ્ટ 'પવન'
Bharat Bhatt 'Pavan'

ટોચ પરથી તો જગત નાનું જ દેખાશે તને,
આવ નીચે, એ પછી સાચું જ દેખાશે તને.
ફ્રેમ કે ચશ્મા બદલવાથી ફરક બહુ નહિ પડે,
કાચ ચોખ્ખો રાખ, તો ચોખ્ખું જ દેખાશે તને.
દરવખત કંઈ આંખથી જોવાય છે, એવું નથી;
જો હશે ભીનું હૃદય, ભીનું જ દેખાશે તને.
રાત દા'ડો તું ફકત મોઢું જ શું ધોયા કરે !
આયનો મેલો હશે, મેલું જ દેખાશે તને.
આંખમાંનો મોતિયો અમથો વગોવાઈ ગયો,
અશ્રુઓ પણ જો હશે : ઝાંખું જ દેખાશે તને.
તેેજ માટે સૂર્ય બાજુ તું ભલેને જોઈ લે,
પણ તરત તો ફક્ત અંધારું જ દેખાશે તને.
તું પવનને દૃશ્યમાં દોરી નહીં શકશે કદી,
પણ 'પવન'માં દૃશ્ય તો સારું જ દેખાશે તને.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ