tamaran ahin aaj paglan thawanan - Ghazals | RekhtaGujarati

તમારાં અહીં આજ પગલાં થવાનાં

tamaran ahin aaj paglan thawanan

ગની દહીંવાલા ગની દહીંવાલા
તમારાં અહીં આજ પગલાં થવાનાં
ગની દહીંવાલા

તમારાં અહીં આજ પગલાં થવાનાં,

ચમનમાં બધાને ખબર થૈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,

ફુલોનીય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે

કળી પાંદડાંઓના પડદે રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને

બિછાવી છે મોતીની સેજો ઉષાએ,

પધારો કે આજે ચમનની યુવાની

બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે

નિહાળીને કીકી તમારાં નયનની,

મહેકંત કોમળ ગુલાબોની કાયા

ભ્રમર-ડંખથી બેફિકર થૈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી-

કરે છે અનિલ છેડતી કૂંપળોની,

ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,

પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004