umrbhar shwaseshwas rahewani - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉમ્રભર શ્વાસેશ્વાસ રહેવાની

umrbhar shwaseshwas rahewani

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
ઉમ્રભર શ્વાસેશ્વાસ રહેવાની
આદિલ મન્સૂરી

ઉમ્રભર શ્વાસેશ્વાસ રહેવાની

ગુલબદનની સુવાસ રહેવાની

આપ ચ્હેરો ભલે છુપાવો પણ

ચાંદની આસપાસ રહેવાની

દિલમાં દરિયો ભલે ઊછળતો રહે

હોઠ ઉપર તો પ્યાસ રહેવાની

તારી આંખોનો દોષ હો કે હો

ટેવ દિલને ઉદાસ રહેવાની

તારા હોઠોની મારા હોઠો પર

જિંદગીભર મીઠાશ રહેવાની

કોને કોને તમે મળી આવ્યા

પગલે પગલે તપાસ રહેવાની

ચાંદની તો કોઈ લઈ ચાલ્યું

મારી સાથે અમાસ રહેવાની

ફૂલ મૂકી ગયા કબર પર

ઊંડે ઊંડે સુવાસ રહેવાની

અન્ય બાબત કશું નથી કહેવું

પણ ગઝલમાં તો ઠાંસ રહેવાની

ફૂલ આદિલ ખરી પડ્યું તોપણ

ડાળ ઉપર સુવાસ રહેવાની

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996