janglo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,

મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા પ્રેમને હવે કેવી રીતે ભૂલું,

કાપું છું એક વૃક્ષ ઊગી જાય જંગલો.

જો તું નથી અહીં તો થાય કોઈ પણ નથી,

તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું યે ખરે પાન તો એની ખબર પડે,

વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

લીલો અવાજ મોરનો હજીયે ઉદાસ છે,

સાંભળીને રોજ વળી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં-

ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,

ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004