duniya udas lage chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દુનિયા ઉદાસ લાગે છે

duniya udas lage chhe

નાઝ માંગરોલી નાઝ માંગરોલી
દુનિયા ઉદાસ લાગે છે
નાઝ માંગરોલી

તમે નથી તો દુનિયા ઉદાસ લાગે છે,

પૂનમની રાતોયે મુજને અમાસ લાગે છે.

અણુ-અણુમાં જગતના તમે નિહાળું છું,

નયનની કીકીમાં તારો નિવાસ લાગે છે.

છિપાવું રૂપ-સુરાની હું પ્યાસ કેમ કરી?

પીઉં છું જેમ વધુ તેમ પ્યાસ લાગે છે.

ખુશી ને શોકનો સંબંધ છે હૃદય સાથે,

હો દિલ ઉદાસ તો દુનિયા ઉદાસ લાગે છે.

નજર-નજરમાં તફાવત છે જોઈ લો કેવો,

નયનને દૂર ને દિલને પાસ લાગે છે.

ચમનમાં 'નાઝ' હજી પણ છે પાનખરનો નિવાસ,

વસંત તો ફરેબી લિબાસ લાગે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4