amari mast phakiri - Ghazals | RekhtaGujarati

અમારી મસ્ત ફકીરી

amari mast phakiri

કલાપી કલાપી
અમારી મસ્ત ફકીરી
કલાપી

ફકીરીમાં સખિરી મેં, ભરી આજે મજા કેવી?

અમીરીને ફકીરીમાં, મળી આજે રજા કેવી?

ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી?

શરીરે ત્યાગની કફની, ચડાવી ત્યાં કજા કેવી?

ખલકને જાણતા ફાની, પછી પરવાહ તે શાની?

નથી દરકાર દુનિયાની, મળે તે ક્યાં મજા એવી?

પીવો પ્યાલા ભરી પાવો, કરીને જ્ઞાનનો કાવો,

અમીરીને ધરી દાવો, ફકીરીમાં મજા લેવી.

કદી મખમલ તણી શૈય્યા, કદી ખુલ્લી ભૂમિ મૈયા,

કદી વહેતી મૂકી નૈયા, તરંગોની મજા લેવી.

કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ,

રગશિયું દેહનું ગાડું, ઉપર ભગવી ધજા કેવી?

કદી છે શાલ દુશાલા, કદી લંગોટ ને માલા,

કદી હો ઝેરના પ્યાલા, મળે તેવી મજા લેવી.

ધર્યા છે કેશરી જામા, કર્યાં કાષાયનાં કપડાં,

તજી સંસારના ભામા, કજામાંથી મજા લેવી.

ભર્યા છે જ્ઞાનધન ભાથાં, ઝુકાવે શાહ પણ માથાં,

જગતનો ગમ સદા ખાતાં, ગમીને જ્યાં રજા દેવી.

ખુશી આફત મૂકી સાથે, ધખાવી હોળીઓ હાથે,

બીજાના દુઃખની માથે, ખુશીથી જ્યાં સજા લેવી. ૧૦

જગત જીત્યું અલખ નામે, અચલ રાજને પામે,

નમાવી સર કદર સામે, ઊભાં ત્યાં દેવ ને દેવી. ૧૧

અમીરીની મજા મીઠી, ફકીરીમાં અમે દીઠી,

કરવી ચાકરી ચીઠી સ્પૃહાને જ્યાં રજા દેવી. ૧ર

થયાં જ્યાં એક ઈશ્વરથી, પછી શી ગાંઠ ઘરઘરથી,

જગાવ્યે પ્રેમ પરવરથી, શલાકા સ્નેહની સેવી. ૧૩

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942